અંકલેશ્વર પંથકમાંથી આજરોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં એક યુવાનના પેટના ભાગે વાગેલ ચપ્પુ વર્ષો સુધી શરીરના અંદરના ભાગે જ રહ્યું હતું, જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોકટરોની ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે.
વાત કંઈક આમ છે કે અંકલેશ્વર ખાતે ગાર્ડન સીટીમાં અંદાજીત પાંચ વર્ષે પહેલા નવરાત્રી જોવા ગયેલ અતુલ વીરેન્દ્રગિરી સાથે કોઈક બાબતે કેટલાક ઈસમો સાથે ઝઘડો થયો હતો તે દરમ્યાન અતુલને પેટના ભાગે ચપ્પુ વાગ્યું હતું, જે બાદ તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર માટે આવેલ અતુલ વીરેન્દ્રગિરીને સિવિલમાં હાજર તબીબો એ તપાસી તેને માત્ર દવા ગોળીઓ આપી રવાના કરી દીધો હતો, જે બાદ અંદાજીત પાંચ વર્ષે સુધી અતુલ રાબેતા મુજબનું જીવન જીવવા લાગ્યો હતો, અતુલને જે તે સમયે થયું કે તે સ્વસ્થ થઈ ચુક્યો છે, પરંતુ અતુલની ધારણા એ વર્ષો બાદ તેને ચોંકાવી દીધી હતી.
અતુલ વીરેદ્રગિરીનું થોડા સમય પહેલા જ અકસ્માત થયું હતું જે બાદ તેને સારવાર માટે લઈ જવાતા માથાના ભાગે ગંભીર ઈજાઓના પગલે અતુલને અનેક ટાંકાનું ઑપરેશન કરવું પડ્યું હતું, પરંતુ અતુલને ઈજાઓ દરમ્યાન પેટના ભાગે ગંભીર દુખાવો ઉપજતા ત્યાંના તબીબો એ અતુલના પેટના ભાગના એક્સરે રિપોર્ટ કઢાવ્યા હતા.
અતુલના એક્સરે રિપોર્ટ સામે આવતા ત્યાં હાજર તબીબો અને દર્દી તરીકે દાખલ અતુલ ખુદ ચોંકી ઉઠ્યો હતો અને એક્સરેમાં પેટના ભાગે ચપ્પુ હોવાનું નજરે પડ્યું હતું, જે બાદ અતુલ વીરેન્દ્રગિરીને માલુમ પડ્યું કે આજથી પાંચ એક વર્ષે પહેલા તેની સાથે થયેલ ઝઘડામાં તેને પેટના ભાગે વાગેલ વસ્તુ ચપ્પુ હતું જે આજદિન સુધી ભરૂચ સિવિલ હોસ્પિટલના જે તે વખતે હાજર તબીબોને ફરજ માં બેદરકારીના કારણે તેઓ પોતાના શરીરમાં જ લઈને ફરી રહ્યા હતા.
આમ આખાય મામલે ભરૂચમાં સારવાર લેવા સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ સાથે ડોકટરોની આ નીતિ ચર્ચાનું કેન્દ્ર બની છે, તો મામલે અતુલ પણ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે આખરે આખા આ ચોંકાવારા મામલે તંત્ર તરફથી જે તે સમયે હાજર તબીબોની બેદરકારી મામલે કોઈ કાર્યવાહી કરાય છે કે કેમ તેવી બાબતોએ લોકોમાં ચર્ચાઓ જગાવી છે.