સર્વ સમાજ સેના શિક્ષણ એજ કલ્યાણ મોજે લવાલ જી. ખેડા સંચાલિત ભરૂચ ટીમનાં નેજા હેઠળ ભરૂચ ખાતે આંબેડકર ભવનમાં ભરૂચ જિલ્લા સંગઠનની રચના માટે અને ગરીબ અનાથ બાળકોનાં શિક્ષણ માટેની ચિંતન સભા મળી હતી. ગુજરાત પ્રદેશનાં મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ અને તેમની ટીમે સભામાં ઉપસ્થિત રહીને ભરૂચ જિલ્લાનાં કાર્યકરોને અનાથ બાળકોનાં શિક્ષણ માટે અને વિવિધ સ્તરે પ્રજાજનોનાં થતાં શોષણ અને અન્યાય સામેનાં તેઓનાં અભિયાનમાં જોડાવા યુવાનોને હાકલ કરી હતી. બે હજાર ગરીબ અનાથ બાળકો માટે રૂપિયા છવીસ કરોડનાં ખર્ચે નિર્માણ થઈ રહેલાં લવાલ જી. ખેડા ખાતેનાં શૈક્ષણિક સંકુલની વિગતો આપી હતી. ગુજરાતનાં દરેક વિસ્તારમાં અનાથ બાળકો માટે પાંચ હજાર શિક્ષણ સંકુલ બનાવવાં કાર્યકરોને આહવાન કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ઉપસ્થિત કામદારો અને નાગરિકોની સમસ્યાઓ જાણી તેનાં ઉકેલ માટે હૈયાધરત આપી હતી.
ધારાસભ્યએ પણ કામદારો અને પ્રજાનાં કોઈપણ પ્રશ્નોનાં ઉકેલ માટે પોતે હરહંમેશ પ્રજાની સાથે રહેવાની પ્રતિબધ્ધતા બતાવી હતી. ધારાસભ્યએ પણ શિક્ષણ અને સંગઠનનું મહત્વ સમજાવી આ અભિયાનમાં લોકોને જોડાવાની સલાહ આપી આ સત્કાર્યમાં સહભાગી થવાં આહવાન કર્યુ હતું. આ સભામાં ભરૂચ જિલ્લા ટીમ માટે હોદ્દેદારોની પસંદગી કરી નિમણૂંક પત્રો એનાયત કરાયા હતાં. આ સભામાં ડેડીયાપાડાનાં યુવા અને કર્મશીલ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ અતિથિ બની ઉપસ્થિત રહી પોતાનો નાગરિક ધર્મ બજાવી ઉપસ્થિત લોકોનાં દિલ જીતી લીધાં હતાં. જિલ્લા પ્રમુખ નીતિન વસાવા, જિલ્લા સંયોજક દલસુખભાઈ કટારિયા, જિલ્લા મહામંત્રી ઈમ્તિયાઝ પટેલ, જિલ્લા ખજાનચી તુલસીગીરી ગોસ્વામી, ઉપ પ્રમુખ (અંકલેશ્વર વિભાગ) મેહુલ પટેલ, ઉપ પ્રમુખ (ઝગડીયા વિભાગ) દિપક વસાવા, ઉપપ્રમુખ ( જંબુસર વિભાગ ) અનિલસિંહ ગોહિલની વરણી કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં ભરૂચ ટીમનાં આગેવાનો અને કાર્યકરોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. તેમ સર્વ સમાજ સેના શિક્ષણ એજ કલ્યાણ સંસ્થા દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવાયું હતું.