ભરૂચથી દહેજ કંપનીઓમાં કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસો શહેરની ચોકડીઓ ઉપર ટ્રાફિક જામ કરતી નજરે પડે છે, જેને લઈ વહેલી સવારથી જ વાહનોની લાંબી લાંબી કતારો દહેજ હાઇવે ઉપર જોવા મળે છે.
ભરૂચ – દહેજને જોડતા માર્ગ પર અનેક ગ્રામ્ય વિસ્તારો આવેલા છે, આ માર્ગ ભરૂચની નર્મદા ચોકડીથી શરૂ થઈ શ્રવણ ચોકડી, મનુબર ચોકડી અને દહેગામ ચોકડી થઇ દહેજ તરફ પસાર થાય છે,પરંતુ છાશવારે આ માર્ગ ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યાનો સામનો વાહન ચાલકોને કરવાનો વારો આવતો હોય છે.
મુખ્યત્વે આ માર્ગ પરથી દહેજ ઔધોગિક એકમોમાં લઈ જતા કર્મચારીઓની બસો દિવસ દરમ્યાન દોડતી નજરે પડે છે, અને આ કર્મચારીઓને બેસાડવા માટે લક્ઝરી બસોના ડ્રાઇવરો ગમ્મે તે સ્થાને બસો ઉભી રાખી દેતા હોય છે, જેને પગલે શહેરને જોડતી તમામ ચોકડીઓ ઉપર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થતું હોય છે તેમજ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ જોવા મળતો હોય છે.
થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારોમાં સર્જાયેલ અકસ્માતની ઘટનાઓમાં ત્રણથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તંત્ર દ્વારા આ વિસ્તારમાં માત્ર એક જ TRB જવાનને તૈનાત રાખવામાં આવે છે તેવામાં આ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે પણ સાબિત થયો છે, ત્યારે અહીંયા યોગ્ય રીતે કંપનીઓ જતા વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.