ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગરી સ્થિત પાણીની ટાંકી ત્રણ વર્ષ પેહલા ધારાશાઇ થઈ હતી. નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા નવી પાણીની ટાંકી બનાવવા માટે વારંવાર અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષની સક્રિયતાને પગલે લોકોને પડતી પાણીની સમસ્યાનો અંત આવશે.
રાજ્ય સરકાર દ્ધારા ડુંગરી વિસ્તારમાં 2.19 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે નગરપાલિકા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, પાણી વિભાગના ચેરમેન ભીખીબેન જાદવ, નગરપાલિકા સભ્યો ઈબ્રાહીમ કલકલ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ફેઝિયાબેન શેખ, મુમતાઝબેન પટેલ, ટીનેશ મિસ્ત્રી તેમજ સ્થાનિક આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
નવી પાણીની ટાંકી માટે વિપક્ષના સભ્યોની રજુઆતને ધ્યાને લઇ ટાંકી મંજૂરી મેળવવા તેમજ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટની પ્રક્રિયામાં ભરૂચના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, ગત ટર્મના પ્રમુખ, ચીફ ઓફિસર, અને જેમણે ખુબ અસરકારક ફરજ બજાવી એવા પાણી વિભાગના પૂર્વ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ વૉટર વિભાગના અધિકારીઓના હકારાત્મક અભિગમને પગલે પાણીની સમસ્યામાંથી નગરના નાગરિકોને છુટકારો મળશે.
આ તબક્કે વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ અને નગર સેવક ઇબ્રાહિમભાઈ કલકલ એ જણાવ્યુ હતુ કે ડુંગરી વિસ્તારમાં નવી ટાંકી બનવાથી શહેરીજનોને પાણીની આપદામાંથી છુટકારો મળશે અને આ ટાંકી બનાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના અધિકારી દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવે અને સમયમર્યાદા કરતા વહેલા બને અને લોકોની સુખાકારીમાં વધારો કરે એવી અપીલ કરી હતી.