ચોમાસામાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાજ્યધોરી માર્ગ સહિત અનેક ગામના માર્ગ બિસ્માર બન્યા છે. અંકલેશ્વર – વાલિયા અને નેત્રંગમાં અતિવ્યસ્ત રોડ ઉપરથી વાહનો પસાર થાય ત્યારે ઊડતી ધૂળને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાનથઇ ગયા છે. અનેક રજૂઆત કરવા છતાં કોઇ તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી નજરે ન પડતા કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે.
આવતા વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભરૂચ – નર્મદા બેઠકના સંસદ રસ્તાઓના સમારકામ માટે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી જરૂરી કામગીરી શરૂ કરાવવા વિનંતી કરી છે. મનસુખ વસાવાએ સરકારમાં રજુઆત અંગે ટ્વીટ પણ કર્યું છે.
સાંસદ મનસુખ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી નેત્રંગ,અંકલેશ્વરથી ઉમલ્લા, ભરૂચથી ગુમાનદેવ તથા ભરૂચથી દહેજ, ભરૂચથી જંબુસર, આમોદથી કરજણ તથા જિલ્લા પંચાયતના રસ્તાઓ ભારે વરસાદથી ખુબ જ મોટા પાયે તૂટી ગયા છે, ઠેરઠેર ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે,તે તાત્કાલીકથી નવા બનાવવા માંગ કરવામાં આવી છે.