ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા, શુકલતીર્થ, કરોડ, મંગલેશ્વર, અંગારેશ્વર, ઝનોર સહિત ૨૦ થી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી ના બનાવાતા રોડ ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે આ રોડનું ધોવાણ થતાં વાહનો પસાર થવા સાથે સતત ધૂળ ઊડતી રહેતાં વાતાવરણ ધૂળિયું રહે છે. જેના કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે.
બે મહિના પહેલા જ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી જવાના કારણે સ્થાનિક રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી આ માર્ગ ઉપર પડેલા ખાડા પુરવાની માંગ કરી હતી. જોકે ખાડા તો પુરાયા પરંતુ ત્યારબાદ પડેલા વરસાદે ફરી ખાડા ધોવાઈ જતાં ફરી એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ખાડા તો છે જ પરંતુ હવે તો આ માર્ગ ઉપર ધૂળની ડમરીઓ ઉડવા લાગતા ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ આવતા વિદ્યાર્થીઓ સહિતના વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આ માર્ગ ઉપરથી મોટા વાહનો પસાર થાય ત્યારે ઊડતી ધૂળના કારણે આસપાસના ઘરો, ઓફિસો અને દુકાનો તથા ખાણીપીણીની લારીઓ તેમજ શાકભાજીની લારીઓમાં ધૂળના થર જામી જાય છે. ધૂળના કારણે લોકોને શ્વાસની તકલીફો પણ પડી રહી છે. તેમાંય નાના ટુવ્હીલર વાહનચાલકોની હાલત તો દયનીય જોવા મળે છે.ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના માર્ગ ઉપર ટ્રાવેલ્સની બસોના પાર્કિંગ હોવાથી એક સાથે ટ્રાવેલ્સની બસો નીકળતી હોય જેને લઈને ધૂળની ડમરીઓ ઊડવા સાથે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. ત્યારે આવનાર દિવસોમાં દિવાળીના તહેવારો પૂર્વે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા છે.