ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી પરના નર્મદા નદીના કાંઠા વિસ્તારો ખનન માફિયાઓ માટે સોનાની લગડી સમાન બન્યા છે, આ વિસ્તારોમાં કાયદેસરના ઓછા અને ગેરકાયદેસર ખનન કરવાવાળા તત્વો વધુ પ્રમાણમાં સક્રિય થયા હોવાનું કહેવાય રહ્યું છે, ભૂતકાળમાં પણ આ સ્થળોએ ખનન માફિયાઓ થકી નદીના પટને ખોદી કાઢવામાં આવ્યા હતા.
ત્યારે ચોમાસાની વિદાય સાથે જ નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાની ચર્ચાઓએ વધુ એકવાર જોર પકડ્યું છે, તેવાના ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી આ આખે આખી પ્રવૃતિ ધમધમતી થઈ હોવાનું કહેવાય રહ્યું છે, આ અગાઉ સાંસદ મનસુખ વસાવા એ પણ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અંગે સવાલો ઉભા કર્યા હતા અને આ પ્રકારની પ્રવૃતિઓ કરતા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ પણ કરી હતી.
તેવામાં વધુ એકવાર શુક્લતીર્થ, ઝનોર, મંગલેશ્વર જેવા વિસ્તારો ખનન માફિયાઓ નર્મદા નદીને ખોદી ત્યાં મસમોટા ખાડા કરી રહ્યા છે, અગાઉ શુક્લતીર્થ વિસ્તારમાં આજ પ્રકારના ખાડામાં પડવાથી બાળકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું તેવામાં વધુ એકવાર ખનન માફિયાઓની હમ નહીં સુધરેંગે જેવી નીતિ સામે આખરે કોના આશીર્વાદ, ચર્ચાઓએ જોર પકડ્યું છે.