ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં જન શિક્ષણ સંસ્થાનો તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ભવ્ય કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા બીડીએમએ હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તેમજ સજોદ ખાતે ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. સ્વાગત પ્રવચન કરતા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામક ઝ્યનુલ સૈયદે વિગતો આપતા જણાવ્યું હતું કે અત્રેની સંસ્થાન દ્વારા પધ્ધતિસરની વિવિધ સેકટરમાં કૌશલ્ય તાલીમ પુરો પાડવામાં આવે છે અને તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને નિયામાનુસાર એસેસમેન્ટ કરી કૌશલ્ય અંગેનું પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવે છે જે અંતર્ગત ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૨૫૪૦ વિદ્યાર્થીઓ તાલીમ પામ્યા અને કૌશલ્ય પ્રાપ્ત કર્યું જે પૈકી ૯૦૦ તાલીમાર્થીઓને આજરોજ પ્રમાણીત કર્યા છે.
જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૬૦૦ તાલીમાર્થીઓ તાલીમ પામ્યા જે પૈકી ૬૦ વિદ્યાર્થીઓને આજે પ્રમાણીત કરાયા તેમજ અન્ય વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ પ્રગતિ હેઠળ છે તેમ જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં જે એસ એસ નાં બોર્ડ મેમ્બર ઈન્દિરાબેન રાજ, કારોબારી અધ્યક્ષ પ્રીતિબેન દાણી વિગેરે ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના કૌશલ્યાચાર્યો શ્રીમતિ અર્પિતાબેન રાણા, ઝેડ.એમ.શેખ, ઉર્મિલાબેન પઢીયાર તેમજ ક્રિષ્ણાબેન કઠોલીયા દ્વારા તેમની ફેકલ્ટી મુજબ પદવીઓ એનાયત કરી હતી.
પ્રમુખ સ્થાનેથી ઉપસ્થિત ભરૂચ નગર પાલિકાનાં પ્રમુખ વિભૂતીબેન યાદવ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સ્વરોજગારી માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ માનનીય વડાપ્રધાનની નેમ મુજબ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. અતિથિ વિશેષ પદેથી નગરપાલીકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ દ્વારા જે.એસ.એસનાં આ કાર્યને બિરદાવ્યું હતું અને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના ક્ષેત્રમાં આગળ વધી આ સંસ્થાનું, જિલ્લાનું અને રાજયનું નામ રોશન કરવા હાંકલ કરી હતી.
અન્ય કાર્યક્રમમાં જે.એસ.એસ ભરૂચ સાથે સંકલનમાં રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સજોદ કેન્દ્ર ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હસમુખભાઈ પટેલ પ્રશિક્ષક બહેનો અને જે.એસ.એસનાં પ્રિયંકાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજપારડી આમોદ અને ઓચ્છ્ણ ખાતેથી દિલ્હીથી પ્રસારીત તાલીમાર્થીઓએ ઓનલાઈન લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. જે.એસ.એસનાં મુખ્ય કાર્યક્રમમાં ક્રિષ્ણાબેન કથોલીયા દ્વારા આભારવિધિ કરાઈ હતી અને કાર્યક્રમનુ સફળ સંચાલન હેતલબેન પટેલે કર્યું હતું અને કાર્યકમનું સમાપન કરાવ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા તાલીમાર્થીઓનો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો.
Advertisement