ગત તારીખ ૯ ઓકટોબરનાં રોજ સાંજના ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન વાગરા તાલુકામાં આવેલ સાયખાં જીઆઈડીસીની આરતી ડ્રગ્સ કંપનીમાં આવેલ અમાઈના કન્ટ્રોલ રૂમની બિલ્ડિંગમાં લોખંડની મોટી સિડી ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ચાર ઈસમો જેમાં નંદ કુમાર, પવનકુમાર રાજભર, મોનુકુમાર તેમજ વિશાલ કુમાર કામ કરી રહ્યા હતા. તે વેળા સીડીનો ટાંકો તૂટી પડતાં કામ કરી રહેલ ચારેય ઈસમો નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં કામદાર નંદ કુમારને ડાબા હાથે કોણીના ભાગે ફેક્ચર થયું હતું. તેમજ પવનકુમાર રાજભરના જમણા હાથનો ખભાથી નીચેનો ભાગ ભાંગી ગયો હતો તથા મોનું કુમારને છાતીના ભાગે તેમજ પેટના ભાગે મુંઢમાર વાગ્યો હતો તેમજ વિશાલ કુમારને માથાના ભાગે અને જમણા ગાલ ઉપર નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સેફ્ટી અને સુરક્ષા વિના કંપનીમાં ચાલતા કામોથી કામદારોના જીવ જોખમાય છે. આવી બેજવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
નઈમ દિવાન-વાગરા