ભરૂચ જિલ્લાના ઔધોગિક એક્મો વિસ્તારમાં દોડતા વાહન ચાલકો માટે જાણે કે ટ્રાફિકના નીતિ નિયમો લાગુ જ ન પડતા હોય તેમ લાગી રહ્યું છે, શહેરી વિસ્તારોમાં સામાન્ય માણસોના વાહનોને લોક મારવા ચિત્તાની જેમ દોડી આવતી ટ્રાફિક પોલીસ વિભાગ પણ જાણે કે ઔધોગિક એક્મોમાં દોડતા ઓવરલોડેડ ડમ્પર અને ટ્રક ચાલકો સામે લાચાર બની હોવાનું કહેવાય રહ્યું છે.
દહેજ જીઆઈડીસીને અડીને આવેલ દરિયાઇ વિસ્તારમાં મીઠાનું મોટા પ્રમાણના ઉત્પાદન થાય છે, આ વિસ્તારમાં ઉત્પાદન થતું મીઠુ અલગ અલગ સ્થળે મોકલવામાં આવતું હોય છે, પરંતુ મીઠુ ભરવા આવતા ડમ્પરના ચાલકો ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં મીઠુ ભરી વહન કરતા નજરે પડ્યા છે.
અનેક ડમ્પર ટ્રાફિકના નિયમોને નેવે મૂકી દોડતા નજરે પડી રહ્યા છે, ખાસ કરી ભરૂચ દહેજ વચ્ચેનો માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે, તેવામાં ટ્રાફિકના નીતિ નિયમોને નેવે મૂકી બિન્દાસ અને બેફામ બની દોડતા વાહન ચાલકો કોઈક મોટો અકસ્માત સર્જી શકે તેમ છે, આ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી ચુકી છે, તેમજ અનેક લોકો એ અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યા છે.
ભરૂચ RTO અને ટ્રાફિક પોલીસ આખરે કેમ આ પ્રકારના ઓવરલોડેડ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી નથી કરતી તે બાબત અહીંયા ચર્ચાનું કેન્દ્ર બની છે, શું મીઠા ઉધોગ કારો અને સામાન્ય નાગરિકો માટે ટ્રાફિકના નીતિ નિયમો અલગ અલગ છે.? આખરે આ પ્રકારે બિન્દાસ અને બેફામ રીતે ડમ્પરમાં મીઠુ ભરી વહન કરતા વાહન ચાલકો પર કોના આશીર્વાદ છે, તે તમામ બાબતો હાલ સામે આવેલા આ વાયરલ વીડિયો બાદથી ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે આશા રાખીએ કે ભરૂચ જિલ્લાનું જાગૃત RTO અને ટ્રાફિક પોલીસ વિભાગ આ પ્રકારના ઓવરલોડેડ વાહન ચાલકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરી નીતિ નિયમોના પાઠ તેઓને ભણાવશે તેવી લોક માંગ ઉઠવા પામી છે.