વાલિયા તાલુકામાં આવેલાં ચમારિયા ગામે રહેતી મહિલાના ઘરમાં ઘુસી બે શખ્સોએ તોડફોડ કરવા સાથે મહિલાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે તેના હાથમાંથી બચીને ભાગી ગઇ હતી. બીજી તરફ વાલિયાના યુથ પાવરના રજની વસાવા અને તેના સાથીઓએ માણસો મોકલાવી તોડફોડ કરાવવા સાથે તેમને ગામ છોડી જતાં રહેવા માટે ધમકીઓ આપી હોવાના આક્ષેપ સાથે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાલિયા તાલુકામાં આવેલાં ચમારિયા ગામે રહેતી 65 વર્ષીય સોમીબેન અંબુ વસાવા તેના ઘરે રાત્રીના સમયે સુઇ ગઇ હતી.
દરમ્યાન રાત્રીના 12 વાગ્યાં આસપાસ કોઈક એ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો જે બાદ તેઓએ લાઈટ ચાલુ કરી દરવાજો ખોલતા ગામમાં રહેતો પ્રતીક પ્રવીણ વસાવા તેમજ અભય રમેશ વસાવા હાથમા લાવેલ પ્લાસ્ટિકની કેનમાં પેટ્રોલ જેવું પ્રવાહી ઘરમાં પ્રવેશ્યા હતા, તેમણે ઘરના સામાનની તોડફોડ શરૂ કરી હતી, તેમજ મહિલા ઉપર પ્રવાહી છાંટવાની કોશિશ કરતા સોમીબેન તેમની ચૂંગાલમાંથી છટકી ગામના મુખ્ય માર્ગ તરફ ભાગી જઈ પડતર જગ્યામાં આખી રાત સુઈ ગઈ હતી.
સવારે જયારે તેઓ પરત આવતા તેમના ઘરમાં તોડફોડ થઈ હોવાનું તેમજ અન્ય સામાન સળગાવી દીધું હોવાનું માલુમ પડ્યું હતું, તેમજ રોકડ રકમ અને ચાંદીના દાગીના પણ લૂંટાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તેઓ સાંજના સમયે વાલિયા ખાતે રહેતા તેઓના પુત્રને ત્યાં જઈ રહ્યા હતા દરમ્યાન યુથ પાવરના રજની વસાવા તેની કાળી કાર લઈ આવ્યો હતો તેમજ તેની સાથે રાજુ ઈશ્વર વસાવા અને વિનય વસાવા બેઠો હતો, તેઓએ તેમને ચમારિયા ગામ છોડીને જતા રહેવા માટેની ધમકીઓ આપી હતી, જે બાદ સમગ્ર મામલે વાલિયા પોલીસ મથકે સોમી બેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે યુથ પાવરના રજની વસાવા સહિત 5 ઈસમો સામે ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.