વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ પૂરા થતાં ભારત ભરમાં શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું હતું. આમોદમાં ગત રોજ રાત્રીના સમયે જંબુસરથી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરોની વિશાળ બાઈક રેલી સાથે સાથે શૌર્ય યાત્રા આવી પહોંચતા આમોદ ચાર રસ્તા ઉપર ફટાકડાની આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું. આમોદમાં કેતન પટેલ,મોન્ટુ કંસારા,બાબુભાઈ માછી સહિતના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ,ઉપપ્રમુખ જશુભાઇ રાઠોડ તથા ભાજપ શહેર પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ સહિત અન્ય હિન્દુ આગેવાનોને ભગવાન રામની આરતી ઉતારી તેમજ ફૂલો વધાવી સ્વાગત કર્યું હતું.શૌર્ય યાત્રા દરમિયાન હિન્દુ યુવાન યુવતીઓ ભક્તિ ગીતો ઉપર ભગવા ધ્વજ સાથે ઝૂમી ઊઠયા હતા.અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘જય શ્રી રામ’ના નારા સાથે આમોદનું વાતાવરણ ગૂંજી ઉઠ્યું.આમોદ તિલક મેદાનથી ધારાસભ્ય ડી.કે.સ્વામી પણ શૌર્ય યાત્રામાં જોડાયા હતા.ત્યારે ફટાકડાની આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું.અને દિવાળી જેવો માહોલ ઉભો કરાયો હતો.ત્યાર બાદ આમોદ કાલિકામાતા મંદિરના વિશાળ ચોગાનમાં રેલી સભાના રૂપમાં પરિવર્તિત થઈ હતી.જેમાં આમોદના કારસેવકોનું આવેલા મહેમાનોના હસ્તે ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત આવેલા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના આગેવાનોએ અયોધ્યામાં રામ મંદિર માટે ચાલતા અનેક આંદોલનમાં હિન્દુઓની શૌર્ય ગાથા વિશે વાત કરી હતી.અને સમસ્ત હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આક્રમક ભાષણ કરી હિન્દુઓને એક રહેવા આહવાન કર્યું હતું.વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.અને પોલીસે સિવિલ ડ્રેસમાં પણ ચાંપતી નજર રાખી હતી.
નઈમ દિવાન