અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ ૨.૦ ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો તથા ખેલ મહાકુંભ ૨.૦ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.જે મુજબ ખેલમહાકુંભ ૨.૦ માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે.
ભરૂચ જિલ્લામા પણ ખેલ મહાકુંભ ૨.૦ ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી એ આર ધાધલના અધ્યક્ષતામાં સબંધિત અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીના વી સી રૂમ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે ત્યારે વધુમાં વધુ લોકો, વિદ્યાર્થીઓ જોડાય આ સાથે શાળાઓ, આઈ.ટી.આઈ, કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રચાર પ્રસાર થકી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે અનુરોધ કરાયો હતો. ખેલમહાકુંભ ૨.૦માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે.
નિવાસી અધિક કલેકટરએ વધુમાં જણાવ્યું કે,ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ બાળકોમાં રમત પ્રત્યેની રસ – રુચિ વધારવામાં મોટો ભાગ ભજવે છે, બાળકો પ્રેરણા મેળવે છે. છેલ્લા દાયકાથી રાજ્યના છેવાડના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અનેક રમતવીરોને આ પ્લેટફોર્મ થકી રાજ્ય તથા દેશની ગરિમા વધારી છે સાથેસાથે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કારકિર્દી ઘડવાના અવસર પણ સિધ્ધ થાય છે.
ભરૂચ જિલ્લામાં પાછલા વર્ષે ખેલ મહાકુંભમાં ૧.૨૪ લાખથી વધુ લોકોના રજીસ્ટ્રેશન થયા હતા. ચાલુ વર્ષે આ લક્ષ્યાંક ૧.૩૪ લાખ રાખવામાં આવ્યો છે.જિલ્લાના લોકોને ખેલ મહાકુંભ ૨.૦ માં રજીસ્ટ્રેશન કરીને પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.