ભરૂચ જિલ્લામાં પ્રવેશેલી બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ રેલી પાલેજ ખાતે આવી પહોંચતા હિંદુ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે દસ વાગ્યે શોર્ય જાગરણ યાત્રા પાલેજ ખાતે આવી પહોંચી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગત રાત્રીથી પાલેજમાં યાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મુખ્ય બજારમાં બેરેકો ગોઠવી દેવામાં આવી હતી. પાલેજ ખાતે બુધવારે દસ વાગ્યાના સુમારે શોર્ય યાત્રા પાલેજ હાઇવેથી પ્રસ્થાન કર્યું હતું. સ્થાનિક હિંદુ સમાજના લોકોએ સ્વાગત કરી આરતી કરી હતી. ટૂંકું રોકાણ કરી રવાના થઈ હતી.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાલેજ હાઇવેથી તળાવવાળા માર્ગ પરથી પાલેજ બજારમાં સ્ટેશન રોડ થઈ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ હતી. યાત્રામાં વિશ્વહિન્દુ પરિષદના હોદેદારો બજરંગદળના કાર્યકરો સહિત સ્થાનિક ભાજપ કાર્યકરો મલંગ ખાન પઠાણ પંચાયત ઉપ સરપંચ શબ્બીર પઠાણ સદસ્ય વીરેન્દ્ર સિંહ ગોહિલ અન્ય કાર્યકરો પણ સ્વાગતમાં જોડાયા હતાં. ગત તારીખ ૨૩ મી સપ્ટેમ્બરના રોજ બારડોલીથી નીકળેલી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આયોજિત શોર્ય તાપી તેમજ નર્મદા જિલ્લામાં થઈને ગતરોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. અહીં પાલેજથી યાત્રા પસાર થઈ આગળના આમોદ તરફના રૂટ પર રવાના થઈ હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોડી વોર્ન કેમેરાથી પોલીસે ચાંપતી નજર રાખી હતી.સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા સમુદાયનાં વેપારીઓ સાથે બેઠક કરી હતી. શાંતિ જળવાય એવાં પૂરતાં પ્રયાસો કર્યા હતાં.તમામ સમાજ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો.
પાલેજ ખાતે શોર્ય યાત્રા પસાર થવાની વાતો વહેતી થઈ ત્યારથી લોકોમાં શું થશે એવી ઉત્તેજના જોવા મળી હતી. પરંતુ યાત્રા બુધવારે શાંતિ પૂર્ણ માહોલમાં પસાર થઈ ગઈ હતી અને સ્થનિકો એ વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ કર્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ