78 ગામોના ‘અન્નદાતા’ને અન્નપૂર્ણા પ્રોજેક્ટ હેઠળ તાલીમ
અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી અનેક પહેલો કરવામાં આવી રહી છે. ગત સપ્તાહે ભરૂચના 78 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નેત્રંગ તાલુકા પંચાયત સાથે મળીને નેચરલ ફાર્મીંગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશનના અન્નપૂર્ણા પ્રોજેક્ટ અંતર્ગત નેત્રંગ તાલુકાના ખેડૂતો સૌ પ્રથમવાર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
ચાસવડ પ્રાકૃતિક વિકાસ કેન્દ્ર ખાતે આયોજીત કાર્યક્રમના પ્રારંભ પૂર્વે નવી દિલ્હી ખાતે ‘સંકલ્પ સપ્તાહ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રામીણ ભારત કેન્દ્રિત ઓનલાઈન સંબોધન ચાલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા તેમજ અદાણી ફાઉન્ડેશનના યુનિટ સીએસઆર હેડની ઉપસ્થિતીમાં નેચરલ ફાર્મીંગ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ મહેન્દ્ર પટેલના સ્વાગત પ્રવચન બાદ ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી પી.આર માડાણીએ નેચરલ ફાર્મિંગના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એગ્રી બિઝનેસ સેન્ટરના પ્રતિનિધીઓ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
ખેતીપ્રધાન ગામડાને ગ્લોબલ બનાવવા ગ્રામીણ ભારતનું સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. અદાણી ફાઉન્ડેશન અને તાલુકા ખેતીવાડી વિભાગ નેત્રંગ દ્વારા 78 + ગામોમાં પ્રાકૃતિક ખેતીને લગતી તાલીમ આપવામાં આવી રહી છે. 35 ગામોના 37 સરપંચો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે અદાણી ફાઉન્ડેશન અવિરત કાર્યરત છે. તાજેતરમાં ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા મુંદ્રાના ખેડૂતોની ગુજરાતના ગવર્નર સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદાઓ સમજાવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.