ભરૂચ શહેરમાં આજરોજ પોલીસના બે ચહેરા જોવા મળ્યો હતો, શહેરમાં રસ્તા પર જ પાર્કિંગ કરતા અને અન્ય વાહનોને નડતર રૂપ બનતા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા વાહનો લોક મારી તેઓની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવે છે.
આજરોજ ભરૂચ પોલીસના કર્મીઓ બપોરના સમયે સ્ટેશન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ વાહનોને લોક મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે જ દરમ્યાન પોલીસની ગાડી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પણ પહોંચી હતી, જ્યાં રસ્તા પર જ પાર્ક રહેલા કોંગી આગેવાનો અને કાર્યકરોના વાહનોને પોલીસ વિભાગ દ્વારા લોક મારવામાં આવ્યા હતા.
કોંગ્રેસ કાર્યાલય બહાર પાર્ક વાહનોને પોલીસે લોક મારતા જ ત્યાં ઉપસ્થિત કોંગ્રેસમાં આગેવાનો અને પોલીસ વચ્ચે ભારે રકજક સર્જાઈ હતી, જે બાદ પોલીસે રાજકીય આગેવાનો સામે નમતું વલણ દાખવી કોંગી આગેવાનોની લોક મારેલી ગાડીઓના લોક ખોલી નાંખ્યા હતા.
એલ તરફ જિલ્લા પોલીસ વડા શહેરના ટ્રાફિક સમસ્યા બાબતે કડક વલણ અપનાવી રહ્યા છે તો બીજી તરફ ગેરકાયદે પાર્કિંગ કરી રાજકીય નેતાઓએ પોલીસ સામે જ બાયો ચઢાવતા નજરે પડ્યા હતા, ત્યારે સામાન્ય પ્રજા સામે લાલ આંખ કરતી પોલીસે રાજકીય આગેવાનો સામે ઢીલાસ દાખવી કાર્યવાહી ન કરતા મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.