ભરૂચમાં અંગારેશ્વર ગામે શ્રીજીની પ્રતિમાને લઇ જતો ટેમ્પો રોડ પરના ખાડાઓને કારણે પલટી જતાં ૧૦ જેટલાં શ્રીજીભક્તોને ઇજાઓ થઇ હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જે પૈકીના ૪ ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુવારે ભારે ધામધુમથી ગણેશમંડળોએ શ્રીજીને વિદાય આપી હતી. દરેક મંડળો વાજતેગાજતે અને ડીજે – ઢોલ નગારાના તાલે શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી. મોડી રાત્રી સુધી ભાડભૂત ખાતે વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી.
દરમિયાનમાં ભરૂચના નવી વસાહત વિસ્તારમાં રહેતાં શ્રીજી ભક્તોએ પણ તેમના ગણેશની પ્રતિમાની શોભાયાત્રા કાઢી હતી.જે બાદ તેઓ શ્રીજીના વિસર્જન માટે શુક્લતીર્થ રોડ પર આવેલાં મંગલેશ્વર ગામે જવા નિકળ્યાં હતાં. ટેમ્પોમાં શ્રીજીની પ્રતિમા સાથે ગણેશભક્તો મોરિયાના નારા લગાવી રહ્યાં હતાં. દરમિયાનમાં અંગારેશ્વર ગામ પાસે રોડ પર પડેલાં મોટા ખાડાઓને કારણે ટેમ્પો બેકાબુ બનીને પલટી ગયો હતો. જેમાં દશેક શ્રીજીભક્તોને ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ ની ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કવાયત શરૂ કરી હતી. જે પૈકીના ચાર યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.