ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં ગુરુવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઇદે મિલાદ નિમિત્તે વહેલી સવારે નગરની મક્કા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાલેજ સ્થિત મદની હૉલમાં મળસ્કે મક્કા મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા નબી સાહેબની શાનમાં કસિદા પેશ કરવામાં આવ્યા હતા.
જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો ઉમટી પડ્યા હતા. સવારે આઠ કલાકે અંજુમને અનીસૂલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ એક વિશાળ ઝુલુંસે મુહમ્મદી સલાતો સલામના પઠન સાથે મક્કા મસ્જિદ પાસેથી રવાના થયું હતું. ઝુલુસ જ્યારે નગરના મુખ્ય બજારમાં પહોંચ્યું ત્યારે ગણેશોત્સવ સમિતિના આયોજકો દ્વારા ઝુલુસના આયોજકોનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરી કોમી એકતાની સોડમ પ્રસરાવી હતી. નગરના વિવિધ વિસ્તારોમાંથી પણ ઝુલુસ નીકળ્યા હતા. જે ઝુલુસ જ્યારે એકત્ર થયા ત્યારે જુલુસમાં જાણે કે માનવસાગર લહેરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઝુલુસ ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા સાહેબના આસ્તાના પર પહોંચ્યું હતું. ત્યાં પહોંચી હજરત મુહમ્મદ પયગંબર સાહેબના મુએ મુબારકની જિયારત કરવામાં આવી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ઇદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઇદે મિલાદ પર્વની ઉજવણી સંપન્ન થઇ હતી.
યાકુબ પટેલ, પાલેજ