ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વિઘ્નહર્તાને ગુરૂવારે વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવા તંત્ર, મંડળો અને ભક્તો સજ્જ બન્યા છે. નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન પર પ્રતિબંધ હોવાને લઇ ગણેશ ભક્તો, આયોજકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીજી વિસર્જન માટે 7 કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે જેમાં જ વિસર્જન કરવાનું રહેશે.
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નાની મોટી થઈ 6 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે. ભરૂચમાં જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર નજીક એક એક કૃત્રિમ કુંડ વિસર્જન માટે તૈયાર કરાયો છે.
જ્યારે અંકલેશ્વરમાં રામકુંડ, સુરવાડી નજીક જળકુંડ, જીઆઇડીસી ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ પાસે તેમજ આર.એમ.પી.એસ. સ્કૂલ નજીક મળી 4 કુંડ વિસર્જન માટે તૈયાર કરાયા છે. ભરૂચમાં નિલકંઠેશ્વર નર્મદા કિનારે તેમજ અંકલેશ્વર ગોલ્ડનબ્રિજના છેડે નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે નહીં.