ભરૂચ – દહેજને જોડતા સ્ટેટ હાઇવે પર જ્યાં એક તરફ મસમોટા ખાડા પડ્યા છે, તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યા પણ ઠેરની ઠેર અહીંયા રહી છે, ખાસ કરી ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં સમી સાંજે અકસ્માતને આંમત્રણ આપે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
શ્રવણ ચોકડીથી શેરપુરા માર્ગ વચ્ચે રોંગ સાઇડ આવતા વાહનોની ભરમાર જોવા મળે છે, એક જ રસ્તા પર સામ સામે વાહનો આવતા હોય લોકોમાં અકસ્માતનો ભય જોવા મળતો હોય છે, તો બીજી તરફ આ માર્ગ ઉપર જ ગેરકાયદેસર પાર્કિંગ કેટલાક દુકાનદારો અને હોટલ સંચાલકો તરફથી કરાવવામાં આવે છે.
આ માર્ગ પર સતત વાહનોની અવરજ્વર રહેતી હોય છે તેવામાં એક જ રસ્તા પર રોંગ સાઇડ આવતા વાહનો વચ્ચે કેટલીક વાર અકસ્માતનું નિર્માણ પણ થતું હોય છે. ડમ્પર, ટ્રક, લકઝરી જેવા વાહનોની અવરજ્વરથી ધમધમતા વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના માણસો આ પ્રકારે રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.