ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થઇ નારેશ્વર તરફ જતા માર્ગનું તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પાલેજ – નારેશ્વર માર્ગ માંત્રોજ ગામ સુધી અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતાં સ્થાનિકો તથા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. શુક્રવારના રોજ સ્થાનિકો દ્વારા માત્રોજ ગામના પાટિયા પાસે ખાડોત્સવ કાર્યક્રમ યોજી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. માત્રોજ ગામના પાટીયા પાસે એકત્ર થયેલા ગ્રામજનોએ માર્ગ વચ્ચે છોડ રોપી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. બિસ્માર માર્ગના સમાચાર વડપ્રદ ટુડે અખબાર સહિત ઇલેક્ટ્રોનિક ચેનલોમાં પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે અતિ બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધર્યું છે.
મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમારે ગ્રામજનોને એકત્ર કરી માત્રોજ ગામના પાટીયા પાસે અનોખો વિરોધ કાર્યક્રમ યોજી તંત્રને જગાડવાના જે પ્રયાસો હાથ ધર્યા હતા તેમાં તેઓને સફળતા મળી છે. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમાર એક સામજિક કાર્યકર તરીકે કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તત્પર રહેતા હોય છે. ભૂતકાળમાં પણ તેઓના પ્રયાસોથી કરજણના પાછીયાપુરાના ગ્રામજનો સ્મશાનની સુવિધાથી વંચિત હતા. તેઓના સઘન પ્રયાસોથી સ્મશાનની સુવિધા પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ – નારેશ્વર માર્ગ પર સતત રાત દિવસ રેતીના ડમ્પરો રેતી ભરી વહન કરતા હોઇ માર્ગને મજબૂતીકરણ કરવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ