ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ પૂર ની સ્થિતિ બાદથી હવે રાજકીય માહોલ પર ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં એક તરફ સત્તા ધારી પક્ષ ના નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યા છે ત્યાં તેઓને પ્રજાના રોષનો ભોગ બનવો પડી રહ્યો છે તો બીજી તરફ આ પૂરની સ્થિતિ માનવસર્જિત હોવાના આક્ષેપો સાથે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી સંદીપભાઈ માંગરોલા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન અને યુવક કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા પૂર અસર ગ્રસ્ત વિસ્તાર ના લોકોને સહાય પેકેજ તાતકાલિક ધોરણે જાહેર કરવાની માંગ સાથે અનશનનો કાર્યક્રમ યોજ્યો હતો.
જોકે કોંગ્રેસના કાર્યકરોને અનશન કરવા અંગેની મંજૂરી ન મળી હોય પોલીસ વિભાગ દ્વારા કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, પોલીસ અટકાયત કરે દરમ્યાન એક સમયે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું.