ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત લોકોએ પૂરમાં થયેલ નુકશાનીને લઈ જિલ્લા કલેકટરને વળતરની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. રવિવારે રાતે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા ભરૂચ જીલ્લામાં પૂરના પાણી ફરી વળતાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યો હોવાનું માનવામાં આવે છે. પૂરના પ્રકોપને પગલે લોકોને પાઇમાલ થવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના પૂર અસરગ્રસ્તો અને સામાજિક આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લામાં રવિવારની રાતે નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડતા ભરુચ જિલ્લામાં પૂરના પાણી ફરી વળતાં ઝઘડીયા, અંકલેશ્વર, ભરૂચ તેમજ વાગરા તાલુકામાં પૂરને પગલે વિનાશક દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વરના ધંતૂરિયા બેટ ખાતે ખેડૂતોના ટ્રેક્ટર, પશુ ધન અને ઘર વખરી પૂરમાં તણાઇ જતાં લોકો પાયમાલ બન્યા છે. જેને પગલે લોકોએ જીવન ગુજારવા ફાંફા મારવાનો વારો આવ્યો છે તેવામાં સરકાર દ્વારા વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.