ભરૂચ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળી હતી. કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ સહિત રાહત ચૂકવવાની માંગણી કરવા સાથે આ પુર સરકાર સર્જિત હોવાનો આક્ષેપ કરી ન્યાયિક તપાસની પણ માંગ કરી હતી.
નર્મદા ડેમમાંથી છોડાયેલા 18 લાખ ક્યુસેકથી વધુ પાણી એ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે ખાના ખરાબી સર્જી છે.ભરૂચના અસરગ્રસ્ત વિસ્તારની કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી.ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીર્થ, કડોદ તેમજ ભરૂચના દાંડિયા બજાર સહિત અન્ય વિસ્તારોની કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લેતા અસરગ્રસ્ત લોકોએ પૂરથી થયેલ તબાહી અંગે રજૂઆત કરવા સાથે કોઈ સરકારી સહાય હજુ મળી ન હોવા અંગે જણાવી તંત્ર અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વેદનાને સાંભળી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ અમિત ચાવડાએ આ પુર ઉત્સવ ધેલછા ધરાવતી સરકારના કારણે આવેલ સરકાર સર્જિત પુર હોવાનો આક્ષેપ કરી તેના કારણે લોકોને ભારે નુકશાન અને દુઃખ વેઠવું પડ્યું છે જેથી લોકોમાં રોષ હોવાનું કહી પુર ઉતર્યા બાદ પણ હજુ સહાય ચૂકવવામાં આવી નથી તો તાત્કાલિક સરકાર સહાય ચૂકવે અને પુર અંગે SIT ની રચના ન્યાયિક તપાસ કરાવે તેવી માંગ કરી છે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ,હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ બિમલ શાહ,પૂર્વ મંત્રી તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ સાથે ભરૂચના કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
Advertisement