પૂરની પરિસ્થિતિ બાદ ભરૂચ નગરપાલિકા ખાતે રાજ્ય સરકારે ફાળવેલા અલગ – અલગ શહેરના સફાઈકર્મીઓની અંદાજિત ૭૫ જેટલી ટીમો જુદા – જુદાં વિસ્તારોમાં દિવસ- રાત રાઉન્ડ ધ કલોક સફાઈ ઝુંબેશની કામગીરી કરી રહી છે.
મંગળવારે મોડી રાત્રે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ ભરૂચ નગરપાલિકાના કતોપોર બજાર ચારરસ્તા, ફુરજા, દાંડીયા બજાર અને ધોળીકુઈ વિસ્તાર, તેમજ નિચાણવાળા વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક ચાલતી સફાઈ કામગીરીનો તાગ મેળવી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
મોડી રાત્રે ચાલતી સફાઈ કામગીરી દરમ્યાન સફાઈ કામદારોને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ સ્થળોની મુલાકાત લઈ કામદારોની પૃચ્છા કરી હતી. કામદારોની સતત ખડેપગે રહી આપદાના આ સમયમાં લોકોની પડખે રહી સરકાર તેમની તેમની સાથે છે, એવી પ્રતીતિ કરાવીને પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા હતા.
પૂર પ્રભાવિત વિસ્તારોમાં સફાઈ કામગીરી વેળાએ નગર પાલિકા પ્રમુખ વિભૂતીબેન યાદવ, ભરૂચ પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા, નગર પાલિકા ચિફ ઓફીસર અને આગેવાન પદાધિકારીઓ પણ સતત ખડેપગે રહ્યા હતા.