સરદાર સરોવર નર્મદા ડેમના 20 થી વધુ દરવાજા ખોલી 18 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવ્યું હતું, જે બાદ ભરૂચ -વડોદરા અને નર્મદા જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, જોકે ભરૂચ અને અંકલેશ્વરના આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જતા ભારે તારાજીનું નિર્માણ થયું હતું.
સતત બે દિવસ સુધી નર્મદા નદી ભયજનક સપાટી ઉપર વહેતી રહેતા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. મકાનો, દુકાનો પાણીમાં ગરકાવ થતા લોકોને લાખો કરોડોનું નુકસાન થયું હતું, જે બાદ વીતેલા 24 કલાકમાં સપાટીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.
બુધવારે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 24.50 ફૂટ આસપાસ નોંધાઈ હતી, જે બાદ નીચાણવાળા અને કાંઠાના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા હતા, સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણીની આવક ઓછી થતા ભરૂચ – વડોદરા અને નર્મદા જિલ્લાના લોકોએ રાહત અનુભવી હતી.
હાલમાં પણ નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે તેની ભયજનક સપાટી પર વહી રહી છે, જોકે નદીમાં જળ કાંઠા વિસ્તારોને છોડીને વહેતા હોય ખતરાની બાબતથી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
-અંકલેશ્વરમાં નુકશાની
અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરતાં જ લોકોમાં ગુસ્સાના ધોધ વહ્યો હતો. ડેમમાંથી છોડાતા પાણીથી નર્મદા નદીની સપાટી 35 ફૂટ સુધી જશે તેવી ધારણા ખોટી પડી હતી અને નર્મદાના નીરે 53 વર્ષ જૂનો વિક્રમ તોડી નાંખ્યો હતો. દીવા અને હાંસોટ રોડને પૂરના પાણીએ જળબંબાકાર બનાવી દીધો હતો. પૂરના પાણી ઓસરવા લાગ્યાં છે પણ હજી કેટલીક સોસાયટીઓ અને વિસ્તાર પાણીમાં ગરકાવ છે.
65 થી વધુ સોસાયટીમાં આવેલા 5500 થી વધુ ધરોમાં લોકો અનાજ, રાચ રચીલું અને ઇલેક્ટ્રિકલ ઉપકરણ પાણી સ્વાહા થઇ ગયા હતા. પ્રત્યેક ઘરથી અંદાજે લાખથી દોઢ સુધીનું નુકસાન પહોંચ્યું હતું. હવે પાણી ઓસરતા વેપારીઓની હાલત કફોડી થઇ હોવાનું જણાયું. પૂરનું પાણી દુકાનોમાં ભરાઇ જતા દાંડિયા બજારના વેપારીઓને તેમના અનાજ-કરિયાણા સહિતની વસ્તુઓ રોડ પર ફેંકવાનો વારો આવ્યો. જ્યારે 100 થી વધુ પશુના મોત થતાં પશુપાલકો પણ રોષમાં ભરાયા છે. તેમાં અંકલેશ્વર દિવા રોડ પર તબેલામાં એક સાથે 60 થી વધુ દુધાળા પશુ મોતને ભેટ્યા હોવાના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા.
અંકલેશ્વરની અંદાજે 65 જેટલી સોસાયટીઓમાં નર્મદા નદીના પાણી ભરાય જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા સોમવારની રાતથી મોટાભાગની સોસાયટીઓના મકાનમાંથી પાણી ઓસરી ગયું હતું. જોકે મકાનમાંથી પાણી નીકળતા તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. 5,500 થી વધુ મકાનો આર્થિક નુકશાન થતા રહીશોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. તેમજ મોટાભાગની સોસાયટીઓના મુખ્ય માર્ગ અને આંતરિક માર્ગ ઉપર હજુ પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલીમાં મુકાયા છે.
– ભરૂચમાં લાખોના માલસામાન પાણીમાં ડૂબી ગયો
ભરૂચના ફુરજા, ચાર રસ્તા, ગાંધીબજાર, કતોપોર બજારના 1200 વેપારી વર્ષોથી નર્મદાના પૂરના પ્રથમ અસરગ્રસ્ત રહ્યા છે. નદીમાં આ વખતે આવેલી 41 ફૂટની સૌથી ઝડપી રેલે 400 દુકાનને 80 થી 85 ટકા પાણીમાં તરબોળ કરી દીધી હતી. અનાજ, કઠોળ, ખાંડ, તેલ, કાપડ, ઇલેકટ્રિક્સ આઇટમો, કાપડ સહિતની દુકાનો, પેઢીઓ પૂરના પાણીમાં તબાહ થઈ ગઈ છે. વેપારીઓ આ ભયંકર અને 1970 પછીની સૌથી ઝડપી રેલ માટે તંત્રને જ દોષિત માની રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સતત કોલના મારા વચ્ચે તેમને ડિઝાસ્ટરમાંથી 35 ફૂટ સુધીની જ માહિતી અપાઈ હતી. વેપારીઓએ 38 ફૂટ સુધીની ધારણા રાખી માલસામાન શિફ્ટ કરવા તજવીજ હાથ ધરી હતી. જોકે 41 ફૂટ સુધી અકલ્પનીય ઝડપે પૂરના પાણીએ દુકાનોને લાખોના માલસામાન સહિત ડુબાડી દીધી હતી.