ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 પર નબીપુર નજીક અાવેલી પરવાના હોટલના સંકુલમાંથી અેલસીબીની ટીમે ચોક્કસ બાતમીના અાધારે 20 લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે અેક ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે ત્યારે વિદેશીદારૂની હેરાફેરીમાં સંડોવાયેલાં અન્ય અારોપીઅોના સગડ મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ અેલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચ હાઇવે પર નબીપુર પાસે અાવેલી પરવાના હોટલના સંકુલમાં વિદેશીદારૂ ભરેલી અેક ટ્રક ઉભેલી છે. જેના અાધારે અેલસીબી પીઅાઇ સુનિલ તરડેઅે તેમની ટીમના પીઅેસઅાઇ કે. જે. ધડુક તેમજ અન્ય સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે મહારાષ્ટ્ર પાર્સિંગની અેક ટ્રકના ચાલકને અટકાવી તેની પુછપરછ કરતાં તેનું નામ મહેશ કાલીદાસ ડોડીયાર ( રહે. મેઘરજ, જિ. અરવલ્લી) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાંથી કુલ 20 લાખની મત્તાની 368 પેટી વિદેશીદારૂ મળી અાવ્યો હતો. અેલસીબીઅે ટ્રક ચાલકની પુછપરછ કરતાં રાજસ્થાના પ્રવિણ નામના શખ્સે તેનો સંપર્ક કરી ભિલાડ ચેકપોસ્ટ પાસેથી વિદેશીદારૂનો જથ્થો ભરી અાપ્યો હોવાનું તેમજ પરવાના હોટલના સંકુલમાં રાહ જોવાનું જણાવ્યું હતું. જે બાદ તેને અન્ય શખ્સ દ્વારા ટ્રકને ક્યાં લઇ જવાનો હતો તેનું માર્ગદર્શન અાપવામાં અાવનાર હતું. અેલસીબીઅે બનાવ સંદર્ભે નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દારૂની હેરાફેરીના કારસામાં સંડોવાયેલાં અન્ય સાગરિતોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે