આજરોજ રાજભવન ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના વરદ હસ્તે આયુષ્માન ભવ: કેમ્પેઇનનું ઇ લોન્ચિંગ સમગ્ર ભારતભરમાં કરવામાં આવ્યું. જે અંતર્ગત ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતમાં સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આયુષ્માન ભવ: અભિયાન હેઠળ છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિન થી તા. ૧૭.૦૯.૨૩થી તા. ૦૨.૦૧૦.૨૩ મહાત્મા ગાંધી જયંતી સુધી એક પખવાડીયા સુધી કરવામાં આવશે. આ પખવાડિયાને સેવા પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવશે.
આયુષ્માન ભવ લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્યમાન આપકે દ્વાર’ હેઠળ આયુષ્માન કાર્ડનું વિતરણ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયુષ્માન મેળા યોજાશે. જિલ્લામાં આરોગ્યના કેમ્પનું આયોજન, અંગદાન અને દેહદાન દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ, બ્લડ બેંક થકી રકતદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
આ પ્રસંગે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે જો સ્વચ્છતા હશે તો ઘણી બધી બિમારિયો દૂર થઈ જશે. સ્વચ્છતા એ આરોગ્ય સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો છે. માટે જ દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા પર ખૂબ ભાર આપે છે. દેશમાં વધુ પ્રભાવી આરોગ્યના કાર્યક્રમો કરવા માટે આજે દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આયુષ્માન ભવઃ કેમ્પેઇનને લોંચ કરી અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્યની સુવિધા મળે તે સુનિશ્ચિત કર્યું છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આ કેમ્પેઇનનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય અને આ અભિયાનનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમના અંતે ૫ PMJAY કાર્ડનું વિતરણ, ૦૫ સિકકલ સેલ કાર્ડનું વિતરણ, તેમજ નિક્ષય મિત્ર બની ન્યુટ્રીશન કીટના દાતા એવા પેટ્રોનેટ એલ. એન. જી. લિમિટેડ. અને સેવા યજ્ઞ સમિતિના રાકેશ ડી. ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચ જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન આરતીબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. જે. એસ. દુલેરા, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.