આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પરનું રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં I, N, D, I, A ગઠબંધનમાં ટિકિટ માટે હમણાંથી જ ખેંચતાણ જામી છે તો બીજી તરફ છ ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઇ વસાવા પણ આક્રમક અંદાજમાં જાહેર સંમેલનો થકી પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને હોદ્દેદારો સામે બાયો ચઢાવી લાલધુમ બન્યા છે.
લોકસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી તે પૂર્વે તો ભરૂચ જિલ્લાના ટ્રાઈબલ વિસ્તારમાં રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી સહિતના દિગ્ગજ નેતાઓ આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટેની લડાઈમાં જોતરાઈ ગયા છે, ત્યારે હવે બુધવારે આદિવાસી અધિકાર પદ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા ખાતેથી બુધવારે સવારે આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત થઇ રહી છે, આ યાત્રા નેત્રંગ, વાલિયા અને ઝઘડિયાના વિસ્તારમાં ફરી અંકલેશ્વર થઇ ભરૂચ કલેકટર કચેરી ખાતે સમાપન થશે, આ યાત્રામાં કહેવાય રહ્યું છે કે અનેક રાજકીય તેમજ બિન રાજકીય આગેવાનો જોડાઈ શકે છે.
યાત્રાનો ઉદ્દેશ આદિવાસી સમાજના અસ્તિત્વની લડાઈના “સંઘર્ષ “માટે વિશ્વ આદિવાસી અધિકાર દિવસના ભાગરૂપે કાઢવામાં આવી રહી છે, જેમાં આદિવાસી સમાજને લગતા હક અને અધિકારોની બાબતને લઈ આગેવાનો દ્વારા પદયાત્રા કાઢી રજુઆત કરવામાં આવનાર હોવાનું કહેવાય રહ્યું છે.