– ગ્રામ પંચાયતના કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા
– હાર્ટ બજાર ભરાય છે તે જગ્યા રેલ્વેની કે પંચાયતની..?
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં નેત્રંગ ગ્રામ પંચાયતની પાછળના ભાગે ભરાતી મંગળવારી હાર્ટ બજારમાં ગ્રામ પંચાયતના કર્મીઓ દ્વારા કથિત કૌભાંડને અંજામ અપાતો હોવાની બુમરાણ સામે આવી છે, હાર્ટ બજારમાં આવતા 150 થી વધુ ખાટલાવાળા અને દુકાન સ્ટોલ ધારકો પાસેથી બજાર ટેક્ષ પેટે પૈસા લેવામાં આવી રહ્યા છે.
કહેવાય રહ્યું છે કે નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા પીળા કલરની એક પાવતી આપવામાં આવે છે, જેમાં 20 રૂપિયા બજાર ટેક્ષ આપવાનું જણાવ્યું છે અને આ પાવતી ગ્રામ પંચાયતના કર્મીઓ દુકાન ધારકોને આપી 20 રૂ. ની જગ્યા એ મન ફાવે તેમ 40 થી 100 રૂપિયા સુધી ઉઘરાવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે નેત્રંગ હાર્ટ બજારની હદ વિસ્તાર રેલવે વિભાગના અંદરમાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે, જ્યાં બજાર ભરાય છે ત્યાં થોડા વખતો પહેલા જ રેલવે વિભાગે મકાનોના દબાણો દૂર કર્યા હતા, જોકે હવે એ દબાણો નથી રહ્યા પરંતુ ત્યાં નજીકમાં જ હાર્ટ બજાર જામે છે.
ત્યારે અહીંયા હાર્ટ બજાર ભરાવવાની શું કોઈ રેલવેના વિભાગે પરમિશન આપી છે..? કે આ ગ્રામ પંચાયતની જગ્યા છે તો આ સ્થળ ઉપર બજાર ભરાય તો પાવતી આપી મન ફાવે તેવું ઉઘરાણું કરવાનું ગ્રામ પંચાયતના સભ્યો એ કોઈ ઠરાવ મંજુર કર્યો છે…? તેવા અનેક સવાલો હાલ આ ઘટના ક્રમ સામે આવ્યા બાદથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
આ બાબતે જયારે ત્યાં દુકાન લગાવતા દુકાન ધારકોને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે નેત્રંગ ગ્રામ પંચાયત સફાઈના નામે અમારી પાસેથી રૂ. 20 ની પાવતી આપી 100 રૂપિયા જેવું લઈ જાય છે ત્યારે સફાઈ પંચાયત નહીં પરંતુ અમે સ્વયંમ કરાવ્યે છે, અમને પૈસા આપવમાં કોઈ વાંધો નથી પરંતુ જે પાવતીમાં રકમ લખી હોય તે જ પ્રમાણે પૈસા લેવામાં આવે તેવું જણાવ્યું હતું.
હાલ સમગ્ર મામલો સામે આવ્યા બાદ આખા ઉઘરાણીમાં થતી ગડબડીના આક્ષેપો અંગે ઉચ્ચ અધિકારીઓએ પણ હસ્તક્ષેપ કરી તપાસ કરવી જરૂરી જણાઈ રહી છે, તો બીજી તરફ જો આ આખે આખુ હાર્ટ બજાર રેલવે વિભાગની અંદરમાં આવતું હોય તો આ અંગે બજાર ભરાવવાની પરમિશન કોઈક એ આપી કે લીધી છે ખરી તે બાબતે પણ તપાસ થવી જોઈએ તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.