સમગ્ર ગુજરાતમાં હાલ તહેવારોની હારમાળા હોય જે નિમિત્તે ભરૂચમાં પણ વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવનાર હોય આગામી સમયમાં છડીનોમ, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવારો નજીકમાં હોય આ તકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ સમશાદ અલી એન. સૈયદ વિપક્ષ નેતા દ્વારા રસ્તા રીપેરીંગ, વીજ પ્રવાહ નિયમિત કરવા અને સાફ-સફાઈ કરી ડીડીટી પાવડરનો છંટકાવ કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, હાલ શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે જેને લઇ ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં થનારી છડીનોમ, મેઘરાજા મહોત્સવ, ગણેશ મહોત્સવ અને ઈદ એ મિલાદના તહેવારને લઈ પાલિકા દ્વારા આ વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સાફ-સફાઈની કામગીરી દરરોજ નિયમિત પ્રમાણે કરવામાં આવે તેવી માંગણી છે.
ભરૂચ શહેરમાં વર્ષોથી છડી નોમનો તહેવાર ઉજવાય છે, વેજલપુર ખારવા માછી સમાજ, વાલ્મિકી સમાજ તેમજ ભોઈ સમાજ દ્વારા છડી યાત્રા કાઢવામાં આવે છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી છડી યાત્રા કાઢવામાં આવે છે તો પાલિકા દ્વારા છડી યાત્રાના તમામ રૂટ ઉપર તાત્કાલિક રસ્તા ઉપર સાફ-સફાઈ કરવામાં આવે આ રસ્તાની આજુબાજુ ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવે અને છડીના રુટ ઉપર રસ્તા ઉપર પડેલ ખાડાઓ પુરવામાં આવે જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે રસ્તાઓને રીકાર્પેટિંગ/આરએમસી કરી આપવામાં આવે તેવી રજૂઆત કરાય છે તો છડીનોમના રૂટ ઉપર વીજ વાયરો નમી પડેલા હોય તેને ડીજીવીસીએલ કચેરીને જાણ કરી વીજ વાયરો ઉપર કરી આપવામાં આવે આથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય.
ભરૂચ શહેરમાં પૌરાણિક અને ભાતીગળ મહોત્સવનો મેળો એવા મેઘરાજા મહોત્સવ પાંચ દિવસ ચાલે છે, ભરૂચ શહેરના સોનેરી મહેલથી લઈ પાંચબત્તી સુધી પાંચ દિવસના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે જેને લઈ આ મેઘ મહોત્સવના રસ્તા ઉપર નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવે તેમજ આરોગ્યલક્ષી સેવાઓ માટે વ્યવસ્થા કરવામાં આવે, તેમજ આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે સાથે વધુ લાઇટોની પણ વ્યવસ્થા કરવામાં આવે જેથી મેઘરાજાના મહોત્સવમાં આવતા લોકોને મુશ્કેલીઓ સર્જાય નહીં.
ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે જેને લઇ શહેરના રસ્તા ઉપર ગણેશ ઉત્સવને લઈ શ્રીજીની પધામણીની યાત્રાઓ આવશે તે રસ્તા ( શહેરના તમામ) ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવે તેમજ જ્યાં ગણેશજીની મૂર્તિની સ્થાપના થઈ હોય ત્યાં નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે ડીડીટી પાવડર નો છંટકાવ કરવામાં આવે તે સહિતની માંગ કરી છે તેમજ, જ્યારે ગણેશ વિસર્જન યાત્રા પહેલા શહેરના તમામ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરી જરૂર પડે તો રીકાર્પેટીંગ/આરએમસી કરી રસ્તાઓ બનાવી આપવામાં આવે, ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં જશ્ને ઈદે મિલાદનો તહેવાર છે અને આ સંદર્ભેમાં ભરૂચ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવશે. જેને લઇ જે પણ વિસ્તારોમાંથી ઇદે મિલાદનું જુલુસ કાઢવામાં આવનાર છે તે તમામ વિસ્તારમાં આગલા દિવસે રાત્રે અને સવારે તેમજ ઈદે મીલાદના જુલુસના રૂટ ઉપર દિવસમાં બે વખત સાફ-સફાઈ કરવામાં આવે ગટરોના રોડ ઉપર વહેતું પાણી બંધ કરવામાં આવે, અને તમામ રૂટ ઉપર રોડ પર પડેલા ખાડા પુરી જરૂરત જણાય ત્યાં રીકાર્પેટીંગ / આરએમસી કરવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.
આમ આ મહિનામાં તહેવારોમાં શહેરના રસ્તા રીકાર્પેટીંગ કરવા, વીજ પ્રવાહ નિયમિત કરવા, સાફ સફાઈ કરવા તેમજ જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી વિપક્ષ નેતા એ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે.