રાજ્યભરમાં એક માત્ર ભરૂચમાં વર્ષોથી ગૌરવભેર ઉજવાતા ઉત્સવમાં હિંગળાજ માતાની શોભાયાત્રામાં માનવ મહેરામણ છલકાઇ ઊઠ્યું હતું. શ્રાવણ વદ ચોથે ગુજરાતભરમાં ભરૂચમાં જ વર્ષોથી ઉજવાતા કાજરા ચોથની ભરૂચમાં વસતા ક્ષત્રિય (ખત્રી) સમાજ દ્વારા સિંઘવાઈ માતાના મંદિરેથી હિંગળાજ માતાની ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી. કારખાના પ્રતિક અને વરઘોડાને લઇ કબીરપુરા, ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજનાં લોકોએ પ્રયાણ કરશે. કબીરપુરામાં દરેક સમાજના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યા બાદ છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી હતી.
કાજરાના પ્રતિક લઈ નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ નગરમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. સિંઘવાઈ માતાના મંદિરે તમામ ક્ષત્રિય સમાજના ભાઈ – બહેનોએ ઉમટી પડી કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાની પૂજા અર્ચના કરી ભારે ઉત્સાહભેર કાજરા ચોથની ઉજવણી કરી હતી. કાજરા ચોથ અંગે શાસ્ત્રોમાં ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલાં ઉલ્લેખ મુજબ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્ર વદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યું હતું. ક્ષત્રિયોના બધા શસ્ત્રો છીનવાઇ જતા હિંગળાજ માતાએ આજીવિકા માટે હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો. સૌથી પહેલા નવ દિવસની મહેનત બાદ એક ચૂંદડી બનાવાઇ હતી. જે ચૂંદડી શ્રાવણ વદ ચોથનાં દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય (ખત્રી) સમાજ કાજરા ચોથના નામે ઉત્સવની ઉજવણી કરે છે.
ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
Advertisement