ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું. ઑગસ્ટ માસમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેતા ધરતીપુત્રો સહિત નગરજનો ચિંતાતુર બન્યા હતા. મેઘરાજા મહેરબાન થાય એવી સૌ કોઇ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે શનિવારે બપોર બાદ નગરના વાતવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.
નગરના આકાશમાં કાળા ડીબાંગ વાદળો ગોરંભાયા બાદ ધીમી ધારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી હતી. વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા અને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી હતી ત્યારે મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. હજુ પણ નગરના આકાશમાં વાદળો ઘેરાયેલા હોઇ વરસાદ પડવાની શક્યતાઓ પ્રબળ બનવા પામી છે.
Advertisement