ભરૂચ જિલ્લા સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, દરમ્યાન જૂન અને જુલાઈ માસના સમય ગાળામાં ભરૂચ જિલ્લાના મનુબર અને થામ ગામની વચ્ચેથી ઇલેક્ટ્રિક એન્જીન માટે લગાવવામાં આવેલ “કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરોની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા કુલ 45 લાખથી વધુની મત્તાની ચોરી થયેલાનું ધ્યાને આવતા નવ નિર્મિત રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ તરફથી ભરૂચ રૂરલ પોલીસ મથકે બે અલગ અલગ પોલીસ ફરિયાદ આપી હતી.
રેલ્વેના કેબલ વાયરોની ચોરીની ગુનાને ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુનાની તપાસ જિલ્લા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી, જે બાદ ભરૂચ દહેજ હાઇવે ઉપર એક્સપ્રેસ વે ની નીચેના ભાગેથી બાતમીના આધારે પંજાબી ગેંગના ઈસમોને લોખંડના કટર સાથે ઝડપી પાડ્યા હતા.
ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપેલ તમામ ઈસમોની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા ઈસમો ભાંગી પડ્યા હતા અને થોડા દિવસ અગાઉ પંજાબથી કામ અર્થે ભરૂચમાં આવ્યા હોય રેલવે ટ્રેક પર કેબલ વાયરો ચોરી કરવાનું વિચારી વિસ્તારની રેકી કરી બાદમાં એક સ્થાનિક યુવાનની મદદ લઈ સ્વીફ્ટ કાર, બ્રેજા ગાડીમાં વાયરોની ચોરી કરી લઈ જઈ અંકલેશ્વર ખાતે વેચી દેતા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચે મામલે પંજાબી ગેંગના સાગરીતો (1) અમલોક સિંઘ બલવિંદર સિંગ મજબી સીંગ રહે, મૂળ ગુરુદાસ પૂર પંજાબ (2) રાજદીપ સિંઘ ઉર્ફે જગ્ગા બાબુસિંઘ જાટ રહે, ભટિંડા (પંજાબ )(3) મિન્હાજ મોહમ્મદ ભાઈ સિંધા રહે, મોના પાર્ક સોસાયટી ભરૂચ (4) નારાયણસીંગ ઉર્ફે ઠાકુર કુપસીંગ પરમાર રહે, સાંચોર (રાજેસ્થાન )(5) સુરેશ કુમાર અખાજી પુરોહિત રહે, સાંચોર (રાજસ્થાન) તેમજ ચોરીનો માલ ખરીદી કરનાર (6) મનસુખભાઇ પોપટભાઈ પટેલ રહે, માધવ એપાર્ટમેન્ટ જીઆઈડીસી અંકલેશ્વર નાઓની ધરપકડ કરી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ પાસેથી કોપર વાયર સહિત કુલ 6 લાખ 68 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.