ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વોમાં જાણે કે કાયદાનો ખોફ જ ન રહ્યો હોય તેવી બાબતો અવારનવાર સામે આવતી દેખાય છે, જ્યાં એક તરફ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નશાનો વેપલો કરતા તત્વો સામે લાલ આંખ કરી સતત બુટલેગરોને ઝડપી પાડવા માર્ગદર્શન આપી જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓને કામે લગાડ્યા છે તો બીજી તરફ બુટલેગરો પણ હમ નહીં સુધરેંગે જેવી નીતિ સાથે બેફામ અને બિન્દાસ વ્યવસાય કરતા ઝડપાઈ રહ્યા છે.
દારૂબંધીવાળા ગુજરાતમાં હજુ પણ દારૂનો વેપલો ચાલી રહ્યા હોવાના અનેક પુરાવા સામે આવતા હોય છે, તેવામાં હદ તો ત્યાં થઈ કે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ગેટ પાસે જ ગણો કે પોલીસ મથકની દીવાલને અડીને જ લીંબુ સોડાની લારીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપલો ધમધમતો હોય પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
ભરૂચના સોનેરી મહેલ સર્કલ વિસ્તારમાં લીંબુ સોડાની લારીના ઉપરના પતરાના ભાગે પ્લાસ્ટિકની થેલીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી તેમજ અન્ય એક બુટલેગરના ઘરે તપાસ કરતા તેના મકાનના અંદર ફ્રીઝમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા.
સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસે (1) ઇકબાલ સમસુદ્દીન શેખ રહે, ડુમવાડ, ભરૂચને ઝડપી પાડી મામલે (2) અલ્તાફ ઇકબાલ મન્સૂરી રહે, ડુમવાડ ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરી કુલ 6700 નો મુદ્દામાલનો કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.