હવે રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવા સમયમાં ભરૂચની બજારોમાં જાણે તેજીનો માહોલ જોવા મળ્યો છે એક તરફ લોકો મોંઘવારીના માર નીચે પેટે પાટા બાંધીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તો બીજી તરફ તહેવારોની ઉજવણી કરવામાં પણ મધ્યમ વર્ગીય પરિવાર પાછી પાની કરતા નથી આવતી કાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય આ તહેવારને અનુલક્ષીને ભરૂચમાં હંગામી ધોરણે રેકડીઓ અને પથારાવાળાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રાખડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બહેનો દ્વારા પણ હોશે હોશે પોતાના ભાઈની રક્ષા કાજે અહીંથી સુતરના તાંતણાથી માંડીને મોટા શોરૂમમાં સોના અને ચાંદીની રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે. ઉપરાંત ભાઈઓ પણ બહેનો માટે અવનવી ગિફ્ટની ખરીદી કરતા જોવા મળ્યા છે.
રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચની મીઠાઈ ફરસાણની દુકાનોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ બહેનો માટે ફેન્સી ડ્રેસ મટીરીયલ સાડી અલગ અલગ પ્રકારની ચોકલેટ સહિતની વસ્તુઓનું પણ ભરૂચની બજારોમાં આજે ધૂમ વેચાણ થઈ રહ્યું છે, આજે ભરૂચના વેપારીઓએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમય બાદ તહેવારો પર ભરૂચમાં આ પ્રકારની તેજીનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવારો માટે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉમંગ ઉત્સાહનો માહોલ ચારે તરફ ફરી વળ્યો છે, આ વર્ષે બહેનો દ્વારા હંગામી ધોરણે ઉભા કરાયેલા બજાર પરથી રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે, આ વિશે ભરૂચની બહેનો જણાવે છે કે અન્ય કોઈ મોંઘીદાટ દુકાનોમાંથી રાખડી લેવા કરતાં અહીં સસ્તી અને સુંદર રાખડીઓ મળી રહે છે, આથી મધ્યમ વર્ગીય પરિવારને પરવડે તેવી કિંમતમાં અહીંથી રાખડીઓ મળી રહેતા મધ્યમ વર્ગીય પરિવારોને તો સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવી પરિસ્થિતિ ભરૂચની હંગામી ધોરણે ઊભી કરાયેલી રાખડી બજારોમાં જોવા મળી છે, પ્રતિવર્ષ કરતા આ વર્ષે રાખડી તેમજ અવનવા ઉપહારની કિંમતમાં પણ વધારો થયો છે તેમ છતાં દરેક જગ્યા ઉપર વેપારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આ વર્ષે પર્વને અનુલક્ષીને લોકો વધુને વધુ ખરીદી કરી રહ્યા છે.