રાજ્ય કક્ષાના સહકાર, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ જગદીશ વિશ્વકર્માએ જિલ્લા વહીવટી તંત્રના પ્રોજેક્ટ રોશની અંતર્ગત ચાલતા “રેવા સુજની કેન્દ્ર”ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તેમણે નવી હાથશાળનું રિબન કાપીને ઉદઘાટન કર્યું હતું. સુઝની બનાવવાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરીને સુજની વણાટકામની વિગતો મેળવી હતી. સુજની બનાવતા કારીગરો સાથે સુજની બનાવવાની બારીકાઇ વિગતે સમજી હતી અને પોતાના રચનાત્મક સૂચનો તેમજ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. આ કળાને આગળ વધારવા માટે વિગતે ચર્ચાઓ કરી હતી.
આ પ્રસંગે મંત્રી વિશ્વકર્માએ ભરૂચની સૂઝની કળાની પ્રસંશા કરતા કહ્યું હતું કે, ભરૂચની આ કળાને જીવંત રાખવાનો શરૂઆતનો તબકકો પ્રોજેક્ટ રોશની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુઝની કળાને જીવંત રાખવાનો જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ ગણાવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં ગાંધીજીએ ગામડાંના પરિવારો સમુદ્ધ બને તે માટે ખાદીની ચળવળ ચલાવી હતી. તેવી જ રીતે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ″વોકલ ફોર લોકલ″ ના નારાને આગળ ધપાવતા આજે વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટને વેગ મળે તે માટેના પ્રયાસો થકી કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની ‘One District, One Product (ODOP)’ પહેલ ગુજરાતની ‘વિસરાતી’ કળા-કારીગરીને જીવતદાન આપનારી બની રહેશે. આ પહેલ અંર્તગત ભારતના કારીગરોએ બનાવેલી વસ્તુ એક જ એકતા મોલમાં વેચાણ થાય અને વિશ્વ કક્ષાના માર્કેટમાં મુકી તેનું વેચાણ થાય તેવા પ્રયત્નો તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.
રાજ્ય સરકાર પણ ODOP હેઠળ દરેક જિલ્લાની એક કે તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી રહી છે. ભરૂચ જિલ્લાની સૂઝની પણ ફક્ત રાજ્ય કે દેશ પૂરતી નહી પણ વિશ્વકક્ષાએ નામના મેળવે તે જરૂરી છે. વધુમાં, સૂઝની માટે તેમણે કહ્યું હતું કે, સુઝની અને તેના જેવી બીજી પણ વધુ પ્રોડક્ટ બને તેમ જણાવ્યું હતું. વધુમાં મંત્રીએ અહીં ચાલતું જરદોશી વર્કનું પણ નિદર્શન કર્યું હતું.
આ વેળાએ “રેવા સુજની કેન્દ્ર” ખાતે મંત્રીને પુષ્પ અને તાલીમાર્થી બહેનોએ બનાવેલી સુઝનીનો સ્કાર્ફ આપી સ્વાગત કરાયું હતું. આ વેળાએ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.આ.જોષી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડાયરેક્ટર અને જનરલ મેનેજર જિગર દવે, રિઝવાના જમીનદાર, મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવ સંચાણીયા, તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, મુજજ્કીર સુઝનીવાલા અને તેમનો પરિવાર તેમજ તાલિમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.