ભરૂચ જિલ્લામાં નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરીનો વેપલો કરતા ઈસમો સામે જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓએ બુટલેગરોના કારનામાઓનો અંત લાવવા નાતે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ દીવાન નાઓ તેના રહેણાંક મકાનમાં આવેલ બાથરૂમના ગુપ્ત ખાનામાં તથા મકાનની બહાર બે નંબર વગરની મોપેડની ડિક્કીમાં ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારું રાખેલ હોય પોલીસના દરોડામાં ઝડપાઈ ગયો હતો.
ભરૂચ એ ડિવિઝન પોલીસે મામલે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 313 તેમજ બે જેટલી મોપેડ મળી કુલ 1,56,560 ના મુદ્દામાલ સાથે બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ મહેમુદ ઇમરાનશા દીવાન રહે,મારવાડી ટેકરો, ભરૂચ તેમજ મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ રહે, રાવળીયો ટેકરો, ધોળીકુઇ ભરૂચ નાઓને ઝડપી પાડી મામલે શેહબાઝ ઉર્ફે સોહેલ મારવાડી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.