ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે. ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.
આગામી લોકસભા 2024 ને લઈ રાષ્ટ્રીયથી લઈ પ્રદેશ, જિલ્લા, તાલુકા, લોકસભા અને દરેક વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાતા ચેતના અભિયાનનો આરંભ કર્યો છે.
ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આગામી 25 અને 26 ઓગસ્ટએ સાંસદ મનસુખ વસાવા અને અન્ય ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત કાર્યકરો બુથ લેવલે જઈ નવા મતદારને જોડવાનું કામ કરશે.
મતદાતા અભિયાન હેઠળ જિલ્લામાં પાંચેય વિધાનસભામાં મતદારોમાં જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર માટે 5 ટેબલો ફરશે. સાથે જ જિલ્લામાં હોર્ડિંગ્સ, બેનરો થકી 18 વર્ષ થયેલા નવા મતદારોના નામો મતદાર યાદીમાં જોડવા, નામ કમી કરાવવા, અન્ય સુધારા સહિતની કામગીરી બુથ લેવલ સુધી હાથ ધરાશે.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ મતદાતા ચેતના અભિયાનની શુરૂઆત થઈ ચૂકી છે ત્યારે છેવાડાના માનવી સુધી કોઈપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તેના પર ભાર મુક્યો હતો. 31 ઓગસ્ટ સુધી અભિયાન ચાલવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તંત્રની સાથે સાથે ગામે ગામ આ અભિયાન હાથ ધર્યું છે.
પત્રકારોને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપી હતી કે, સમગ્ર ગુજરાતમાં જોરશોરથી મતદાતા જાગૃતિ કાર્યકમ ચાલી રહ્યો છે, સરકાર સાથે ભાજપ પણ જોડાયું છે. જ્યાં તંત્ર ન પહોંચી શકે ત્યાં પક્ષનો કાર્યકર પહોંચે. ખાસ કરી તારીખ 25 અને 26 મી એ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યો અને સંસદ સભ્યો જોડાવવાના છે. લોકશાહીમાં વધુને વધુ મતદારોને જોડવા સાથે ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો સાથે એકપણ મતદાર વંચિત ન રહે તે ઉદ્દેશ સાથે કામગીરી થશે. વડાપ્રધાન અને ભાજપ સરકારનો એક જ ઉદ્દેશ છે, દરેક નાગરિકને દેશની વિકાસધારામાં જોડી ભારતને વિશ્વગુરુના શીખરે લઈ જવાનું છે.
પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગર પાલિકા વોટર વર્ક્સના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના જોડાયા હતા. સાંસદ અને જિલ્લા પ્રમુખે મતદાતા ચેતના અભિયાનમાં યુવાઓ સહિત તમામને જોડાવવા અપીલ કરી હતી.