દેવાધિદેવ મહાદેવની સાધના અને આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસના પ્રથમ સોમવારની શિવભકતો દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ. સવારથી જ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં દર્શનાર્થે અને પૂજન, અર્ચન, જલાભિષેક અને દુગ્ધાભિષેક માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી.
દર વર્ષની જેમ આ વર્ષે સોમવારે પ્રથમ શ્રાવણીયા સોમવારની ધર્મ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરાઇ. શિવભકતો માટે શ્રાવણ માસના દરેક સોમવારે સવિશેષ મહાત્મ્ય ધરાવતા માનવામાં આવતા હોય આજે સવારથી જ શહેરના તખ્તેશ્વર, જશોનાથ, ભીડભંજન, નારેશ્વર, બારસો મહાદેવ, અર્જુનેશ્વર, તેમજ કોળીયાકમાં નિષ્કલંક મહાદેવ, નાના અને મોટા ગોપનાથ, માળનાથ સહિતના નામી અનામી પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં ભકતો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે. આ સાથે શિવલીંગ ઉપર ધતુરા, શણ, ચંદન,ચોખા, જલાભિષેક, બીલીપત્ર અભિષેક,પંચામૃત અને દુગ્ધાભિષેક માટે ભાવીકોની કતારો જોવા મળશે. આ ઉપરાંત શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દિપમાળા, પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક તેમજ લઘુરૂદ્ર, શિવભજન, કિર્તન અને સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને તમામ શિવાલયો હર હર મહાદેવ અને જય જય ભોલેના નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસને લઈને શિવાલયોમાં ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરાયા છે. આ સાથે પ્રથમ શ્રાવણીયા સોમવારે સૌરાષ્ટ્રના શ્રધ્ધેય પૌરાણિક શિવાલયોના સાનિધ્યમાં પુન ભાતીગળ લોકમેળાની રંગત જામશે અને યુવાધનને લોકસાંસ્કૃતિક વિરાસત માણવા મળશે. શ્રાવણ માસ દરમિયાન ચોતરફ તીર્થદર્શન, તીર્થસ્નાન તેમજ દાન, ધર્મ પુણ્યકાર્ય સહિતના ભકિતકાર્યો પુરબહારમાં ધમધમશે એટલુ જ નહિ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ મળશે.આ ઉપરાંત શિવદર્શન યાત્રાનો સવિશેષ મહિમા હોય ભાવિકો દ્વારા ગુજરાત અને અન્ય પ્રાંતના પૌરાણિક જયોતિર્લિંગની તિર્થયાત્રા તેમજ તિર્થસ્નાનના અધિક આયોજનો તબકકાવાર ગોઠવાશે.
આ વર્ષે અધિક માસને લઈને ગત તા.૪ જુલાઈથી શરૂ થયેલ શ્રાવણ મહિનો બે મહિનાનો છે. જે ૫૯ દિવસ સુધી ચાલશે. કારણ કે, આ વખતે હિન્દુ કેલેન્ડરનો ૧૩ મો મહિનો આવશે. જેમાં મલમાસ અધિક માસનો સમાવેશ થયો હતો. તમામ ધાર્મિક અને શુભકાર્યો શ્રાવણ માસના બીજા એટલે કે, હાલ ચાલુ માસમાં કરવામાં આવશે.