ભરૂચ LCB પોલીસે નબીપુર-પાલેજ વચ્ચે હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગમાંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા રૂ. 12 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન નબીપુરથી પાલેજ વચ્ચે LCB પોલીસ કાફલો પહોંચ્યો ત્યારે રિલીફ હોટલના પાર્કિંગમાં કેટલીક ટ્રકો ઉભી હતી.
જે પૈકી એક ટ્રક ડ્રાઇવરની હિલચાલ PSI પી.એમ.વાળાને શંકાસ્પદ લાગી હતી. DD પાર્સિંગની તાડપત્રી ઢાંકેલી ટ્રકની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના બારદાન મળી આવ્યા હતા. જેને હટાવી જોતા દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે 388 બોક્સ, 8222 બોટલો મળી કિંમત રૂપિયા 11.98 લાખનો દારૂ સાથે પ્લાસ્ટિકના 100 બારદાન કિંમત રૂ. 6.58 લાખ, રૂ. 10 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 28.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ દારૂ ભરેલી ટ્રકનું વહન કરતા નેપાળના લૂમબીનીના બ્રિસપતિ ખેમાનંદ ચપાગૈનની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસને નેપાળ તેમજ કતારનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું હતું, ત્યારે દારૂની પેટીઓ ક્યાંથી અને કોણે ભરાવી તેમજ ક્યાં અને કોને ડિલિવરી કરવાની હતી, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.