“આઝાદી કા અમૃત મહોત્સવ” એ ભારતની આઝાદીના ૭૫ વર્ષની સ્મારક ઉજવણી છે. આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોના ૠણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી તેમાના ઘણા લોકોએ રાષ્ટ્રહિત માટે સર્વસ્વનું બલિદાન આપ્યું. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે. જેણે ઘણા બહાદુરો / વીરોને જન્મ આપ્યો છે. આ ભૂમિમાં જન્મ લીધો હોવાના કારણે આપણે પણ આ ભૂમિ સાથે તેમજ અહિંની ભૂમિ અને લોકોમા રહેલી દેશ ભકિતની ભાવના સાથે જોડાએલા છીએ. “ આઝાદી કા અમૃત મહોત્સવ” ભારતના એવા વીર શહિદોના બલિદાનોને બિરદાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમણે આપણી આઝાદી માટે અમુલ્ય યોગદાન આપ્યુ છે.
સત્તાવાર રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ શરૂ થયેલ હતો અને ૩૦ ઓગષ્ટ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થનાર છે. આ ઉત્સવના સમાપન તરફ આપણે આગળ વધી રહયા છે ત્યારે આ ઉત્સવના સમાપન સમારોહ તરીકે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં ભરૂચના વિવિધ ૧૧ વોર્ડમાંથી માટી લાવીને હાથમાં માટી અને દીવા લઈને પંચ પ્રણ સંકલ્પ લીધા હતા. ત્યારબાદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ ભરૂચના વિવિધ ૧૧ વોર્ડમાંથી લાવેલ માટી સાથે ભરૂચ નગરપાલિકા સુધી શોભાયાત્રા સાથે રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ નગપાલિકાના પ્રમુખ અમિત ચાવડા તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.