આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આજ રોજ ૭૪ માં તાલુકા કક્ષાનો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ સ્કૂલની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની બહેનોએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વન મહોત્સવના પ્રણેતા કનૈયાલાલ મુનશીને યાદ કરી મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
૭૪ માં તાલુકા કક્ષાના વન મહોત્સવમાં આવેલા મહેમાનોનું વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સહિત કર્મચારીઓએ તુલસીના છોડ આપી સ્વાગત કર્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જીવનમાં મહત્વ અને વૃક્ષો કાપવાથી થતાં ગેરફાયદા વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વક્તવ્ય આપ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.વન મહોત્સવ પ્રસંગે કૃતિમાં ભાગ લેનાર બાળકોને આમોદ વન વિભાગ તરફથી મહેમાનોના હસ્તે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વન મહોત્સવના અધ્યક્ષ પદે રહેલા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી, નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડૉ.રાઉલજી સહિતનાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા સ્વામિનારાયણ સ્કૂલના વિશાળ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાના ૭૪ માં વન મહોત્સવ પ્રસંગે આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, કારોબારી ચેરમેન બીજલ ભરવાડ, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી દિપક ચૌહાણ સહિતના શાળાના બાળકો, શિક્ષકો, નગરજનો તેમજ ગામડામાંથી સરપંચો ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ બાદ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વૃક્ષ રથનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ૭૪ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો
Advertisement