ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક એકમોનું હબ બન્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં અનેક કેમિકલ બનાવતી ફેકટરીઓ પણ ધમધમી રહી છે તેમજ કેટલાક કેમિકલ માફિયાઓ મનુષ્ય તેમજ પ્રાણી માત્રને હાનિકારક કેમિકલની હેરાફેરી કરી લાખો રૂપિયા કમાણી કરી લે છે. જેમાં પોલીસની રહેમ નજર હેઠળ કેમિકલના વાહનો પસાર થતા હોવાના અનેક આક્ષેપો પણ થતા રહે છે. ત્યારે આમોદ નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપરથી પસાર થતા ચાર રસ્તા ઉપર એક આઇસર ટેમ્પોમાંથી કેમિકલ રોડ ઉપર ઢોળાતા અનેક લોકોને ખરાબ દુર્ગંધથી પરેશાન બન્યા હતા.
જેથી સ્થાનિક લોકોએ ટેમ્પોનો પીછો કરી મલ્લા તલાવડી પાસે ટેમ્પો અટકાવી ટેમ્પો ચાલકની પૂછપરછ કરી હતી. જેમાં આઇસર ટેમ્પોમાં હેઝાર્ડ વેસ્ટના ૩૯ પીપ ભરેલા હતા. જે અત્યંત દુર્ગંધ મારતા હતા. જે ટેમ્પો પાદરા તાલુકાના કરખડી ગામેથી પાનોલી જતો હતો ત્યારબાદ સ્થાનિકોએ આમોદ પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ આમોદ પોલીસે ટેમ્પો ચાલક પાસેથી કાગળો ચેક કરી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર ટેમ્પોને જવા દેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ભરૂચના અધિકારીને પણ ફોન ઉપર ફરિયાદ કરી હતી. તેમજ અધિકારીના મોબાઈલ ઉપર ટેમ્પોના વીડિયો તેમજ ફોટા મોકલી આપી કેમિકલ માફિયાઓ સામે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આમોદના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૬૪ ઉપર આઇસર ટેમ્પોમાંથી દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા લોકો પરેશાન
Advertisement