ભરૂચ તાલુકાનાં પૌરાણિક નાંદ ગામ સ્થિત નંદાદેવીના નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવાનો અનેરો મહિમા રહેલો હોવાની માન્યતા છે. પૌરાણિક નાંદ ગામ ખાતે દર 18 વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભાતીગળ મેળાનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું જ મહાત્મય રહેલું છે. નર્મદા નદીમાં સ્નાનનો અનોખો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોય છે.
નર્મદા પુરાણ અનુસાર નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. નાંદ ગામ સાથે નંદરાજાના સાતમા સંતાન નંદ પુત્રી હોવાથી આ સ્થળ પ્રચલિત છે. નંદાદેવીએ કંસ રાજાના હાથમાંથી છુટી કંસ વધની આગાહી કરી હતી અને મહીસાસુર જેવા અનેક દૈત્યો સહિત દુષ્ટ આત્માઓનો વધ કર્યો હતો જેથી લાગેલા યાત્રકના નિવારણ અર્થે પવિત્ર નર્મદા કિનારે તેત્રીસ કરોડ દેવતાએ સ્નાન તપ કર્યું હતું. તેથી આ સ્થળેને નંદા હદ એટલે કે નંદા સરોવર કહેવામા આવે છે તેવી માન્યતા છે.
આ પવિત્ર સ્થળે શ્રાવણ વદ અમાસથી એક માસ સુધી સ્નાન કરવાનો અનોખો મહિમા છે. ભારતના યાત્રાધામો પૈકી નંદાહદ નંદા સરોવર નાંદ ચોથા નંબરનુ યાત્રાધામ હોવાનું પણ માનવમાં આવે છે. આ યાત્રામાં ભારતભરમાંથી લોકો આવી સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે નાંદ ગામ ખાતે ભરુચ જિલ્લા સહિત અનેક સ્થળોએથી ભાવિક ભક્તો નાંદ ખાતે આવી પહોંચ્યા હતા અને દર્શન સાથે સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત, રોગચાળો ફાટી ન નિકળે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો એસટી વિભાગ દ્વારા યાત્રામાં આવતા યાત્રાળુઓ માટે બસની સુવિધા ઉભી કરવામાં આવી છે.