ભરૂચ જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોમાં ચાલુ વર્ષે આગ લાગવાની એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી અંકલેશ્વર અને પાનોલી ખાતેના ઔધોગિક એકમોમાં છાશવારે અગ્નિ તાંડવ જોવા મળતું હોય છે, ગત રાત્રીના પણ પાનોલી ખાતે આવેલ એક ફાર્મા કંપની આગની ઝપેટ માં આવી હતી.
પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રીતુ ફાર્મા કંપની ખાતે ડ્રમમાં સોલ્વન્ટ ભરતા સમયે સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી, પ્રચંડ ધડાકા સાથે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરતા તેમજ આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મામલે ફાયર વિભાગમાં જાણ કરાઈ હતી.
અંકલેશ્વર તેમજ પાનોલી પંથકના ફાયરના જવાનોએ લાયબંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી, ઘટના બાદ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ મામલે તપાસ શરૂ કરી છે, જોકે સમગ્ર દુર્ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.