ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોના આતંકના કારણે સ્થાનિક રહીશોની ઊંઘ હરામ બની છે, મોડી રાત્રીના સમયે હાથમાં ચપ્પુ જેવો તીક્ષ્ણ હથિયારો લઈ ખુલ્લેઆમ બીભત્સ ગાળો ભાંડી નજીક ના જ કોમ્પ્લેક્ષમાં જઈ મારામારી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હોવાનું વાયરલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મહંમદપુરા નજીક લાકડાવાળા અને શેઠ કોમ્પ્લેક્ષ પાસેના જાહેર માર્ગ ઉપર જ આવતા જતા લોકોને ગાળ આપી ચપ્પુ જેવા હથિયાર લઈને ફરતા તત્વોની કરતૂતથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો, હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી જોકે હાલ જાહેર માર્ગ પર જ હથિયાર સાથે અસામાજિક તત્વોની કરતુતોએ ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા.
શુક્રવારે રાત્રીના સર્જાયેલ આ ઘટના ક્રમ બાદથી જ મોડી રાત્રીના આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સધન કરવામાં આવે અને આ પ્રકારના ખુલ્લેઆમ હથિયારો લઈ ફરતા તત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે, હાલ આખી બાબતે જાહેર માર્ગ પર જ થયેલ આ પ્રકારની કરતૂત ભરૂચ બેફામ અને બેખોફ બનેલા તત્વોના આતંકના દર્શન કરાવે છે ત્યારે તાજેતરમાં જ નવા જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળનાર એસ.પી મયુર ચાવડા આ પ્રકારના મામલા ઓ સામે ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી જણાય છે.