તાજેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો હતો, થોડા વર્ષો અગાઉ તેઓએ એક જાહેર સભામાં મોદી સરનેમને લઈ ટિપ્પણી કરી હતી જે બાદ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, સુરત ખાતે ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ પણ આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી જે બાદ કેસ મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.
સુરત કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાંથી સમગ્ર મામલે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાની જોગવાઈ યથાવત રખાઈ હતી જે બાદ રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા પણ રદ થઈ હતી, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાંથી આજરોજ રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા જ્યાં સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતે રાહુલ ગાંધીને ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યા બાદ તેઓની સજા ઉપર સ્ટે મુકવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહતના સમાચાર પ્રાપ્ત થતા જ દેશભરના કોંગી કાર્યકરોમાં અનેરો ઉત્સાહનો માહોલ છવાયો હતો ગુજરાતથી લઈ દિલ્હી સુધી કોંગી કાર્યકરોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવી લઈ ઉજવણી કરી હતી, ભરૂચ ખાતે પણ સ્ટેશન રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ મીઠાઈ વહેંચી, આતશબાજી કરી ઉજવણી કરી હતી.