તાજેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી ધ્વારા કન્યા કુમારીથી કશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી, આ યાત્રા દરમ્યાન સામાન્ય લોકો વચ્ચે જઈ રાહુલ ગાંધીએ પોતાનો સમય વિતાવ્યો હતો તેમજ હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો, જે યાત્રા બાદ તેની સીધી અસર દક્ષિણ ભારતમાં થયેલ ચૂંટણીમાં જોવા મળી હતી અને કર્ણાટક જેવા રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની સરકાર મળ્યા બાદ તેનો સીધો શ્રેય રાહુલ ગાંધીની આ યાત્રાને આપવામાં આવ્યો હતો.
કર્ણાટકમાં ભવ્ય જીત બાદ રાહુલ ગાંધીએ પણ પત્રકારો સમક્ષ ભારત જોડો યાત્રાના ગુણગાન કર્યા હતા અને નફરત કે બજાર મેં મહોબ્બ્ત કી દુકાન ખોલી હૈ જેવા ભાષણ આપી સત્તા પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કર્ણાટક ચૂંટણીના પરિણામ અને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I. N. D. I. A જેવા ઘટના ક્રમો બાદ કોંગી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે, તેવામાં હવે ભારત જોડો યાત્રા પાર્ટ 02 ની તૈયારીઓ શરૂ થઈ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
કહેવાય રહ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા દક્ષિણથી ઉત્તર ભારત તરફ ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ હવે તેઓ પશ્ચિમથી પૂર્વ તરફ ભારત જોડો યાત્રા 02 કાઢવા જઈ રહ્યા છે, જેની શરૂઆત ચર્ચાઓ મુજબ 15 ઓગસ્ટ આસપાસ અથવા 2 ઓક્ટોબર આસપાસ થઈ શકે તેમ છે, યાત્રાની શરૂઆત ગુજરાતમાંથી થાય તેવા સીધા સંકેતો સામે આવી રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ જામી છે, અને આ યાત્રાનો રૂટ લગભગ 3400 થી 3600 કિલોમીટર જેટલો હોય શકે છે, જેની તૈયારીઓને આખરી ઓપ પાર્ટી અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે આપી રહ્યા છે.
પશ્ચિમથી પૂર્વ ભારત સુધીની ભારત જોડો યાત્રાની શરૂઆત ગુજરાતના પોરબંદર અથવા ભરૂચના દહેજ દરિયાઈ કાંઠા પાસેથી થઈ શકે છે તેમ કહેવાય રહ્યું છે, ભારત જોડો યાત્રા 02 નો રોડ મેપ લગભગ તૈયારીઓમાં લાગી ગયો છે જેમાં ખાસ કરી મધ્યમપ્રદેશ, રાજેસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોના જિલ્લાઓ રૂટ પર આવી શકે તે પ્રકારનું પણ આયોજન અને રણનીતિ ઘડાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાલ આ બાબતો જો અને તો ની સ્થિતિમાં છે પરંતુ 2024 ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા 02 ની શરૂઆત થાય છે તો તે કોંગ્રેસ માટે કર્ણાટક ચૂંટણીની જેમ સંજીવની સમાન સાબિત થશે કે પછી યાત્રા માત્ર યાત્રા પૂરતી જ રહેશે તેવી બાબતો પણ હાલ ભારત જોડો યાત્રા 02 ની તૈયારીઓની ચર્ચાઓ બાદથી સામે આવતી દેખાઈ રહી છે, ત્યારે જોવું રહ્યું કે હવે રાહુલ ગાંધી શું ખરેખર ભરૂચ કે પોરબંદર વિસ્તારમાંથી પોતાની આ યાત્રાની શરૂઆત કરે છે કે કેમ તે આવનાર સમયમાં જ સત્તાવાર રીતે ખબર પડી શકે તેમ છે.