આમોદ તાલુકાના દોરા ગામની સીમમાંથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી માટે આડેધડ ખોદકામ કરવામાં આવતા ખાડાનું વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા કપાસ સહિતના પાકને નુકશાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.
આમોદ તાલુકામાં હાલ એક્સપ્રેસ હાઈવેની કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે હાઈવે માટે માટી પુરાણની આડેધડ કામગીરી કરવામાં આવતા ખેડૂતોને આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. દોરા ગામની સીમમાં માટીના ખોદકામની જગ્યા ઉપર મસમોટો ખાડો ખોદી નાખવામાં આવતા હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાતા આ સ્થળે તલાવડી બની ગઈ છે જેને પગલે આ ખાડાનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે.
જેના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવા પામ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. આ અંગે એક્સપ્રેસ હાઈવેમાં રજૂઆત કરવા છતાં કોઇપણ જાતના પગલા નહી ભરવામાં આવતા ખેડૂતોએ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.